રાજપીપળા શહેરમાં કેટલાક વિસ્તારોમાં ઘણા દિવસોથી પીવાનું પાણી ગંદુ આવતું હોવાની બુમ સંભળાય છે ત્યારે આ બાબતે આજે ખુદ પાલીકા પ્રમુખ જીગીષાબેન ભટ્ટના ઘરના નળમાં પણ ડહોળું પાણી નીકળતા તેમણે લાગતા વળગતા કર્મચારીઓને આ સમસ્યા દૂર કરવા સૂચના આપી હોવાનું જણાવ્યું હતું.જોકે એક અઠવાડિયાથી દરબાર રોડ તરફની કેટલીક ગલીઓમાં સફેદ કચરાવાળુ પાણી આવવાની ફરિયાદ થતા પાલીકા ટીમ ચેકીંગમાં આવી પરંતુ આ કચરો મકાન માલિકનાં નળનાં ઘરમાં જતી પાઇપમાં ક્ષારનો હોવાનું જણાવ્યું જ્યારે બીજા ત્રણ ચાર નળ ચેક કરતા ત્યાંના પાણીમાં લીલ જોવા મળી ત્યારે ઘરની ટાંકી સાફ નહિ કરી હોય એમાં લીલ જામી હશે તેવી છટકબારી બતાવી પાલીકા ટીમ ચાલતી પકડી હતી.પરંતુ આજે બપોરે આવેલુ પાણી મોટા ભાગના વિસ્તારોમાં ડોહળુ અને જીવાતો જેવું આવતા એક જાગૃત નાગરિકે પાલીકા પ્રમુખને ફોન કરતા ખુદ એમના ઘરમાં પણ આવુજ ડહોળું પાણી આવ્યું હોવાનું તેમણે જણાવ્યું હતું.ત્યારે એક તરફ કોરોનાનો ડર અને બીજી બાજુ પીવાના પાણીમાં આવી બેદરકારી હોય ત્યારે ગ્રામજનો હાલ ફફડી રહ્યા છે. કડક છાપ ધરાવતા ચીફ ઓફિસર જયેશ પટેલ શહેરમાં પીવાના પાણી બાબતે યોગ્ય કામગીરી કરાવવા ટીમને કડક સૂચના આપે તેવી લોકમાંગ છે.
(રાજપીપળા, આરીફ જી કુરેશી)