કોરોના વાઇરસની મહામારી વચ્ચે પણ આ મહિલા સફાઈ કર્મચારી નવ માસના ગર્ભ સાથે સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત સુરતને સ્વચ્છ રાખવા રોજ 5 કલાકથી વધારે કામ કરે છે. એટલું જ નહિ પણ આવી જીવલેણ બીમારી સામે સ્વચ્છતા અને જાગૃતતાની જ જીત થતી હોવાનું જણાવી રહી છે. સંયુક્ત પરિવારમાં રહેતી ધોરણ 7 પાસ આ મહિલા સફાઈ કર્મચારી કોરોનાને લઈ ખૂબ જ જાગૃત હોવાનું અને લોકડાઉનનું પાલન કરી આ બીમારીથી બચી શકાય છે એવો સંદેશો આપી રહી છે. નયનાબેન રમેશભાઈ પરમાર ઉં.વ. 27 વર્ષ (રહે. કેનાલ રોડ પાલનપુર જકાતનાકા ગણેશ કૃપા સોસાયટી) એ જણાવ્યું હતું કે, તેને એક 5 વર્ષની દીકરી છે. પતિ સ્કૂલ વાન ચલાવી ઘરમાં આર્થિક રીતે મદદરૂપ થાય છે. 6 સભ્યોનું પરિવાર છે. કોરોના વાઇરસ ત્રીજા તબક્કામાં હોવા છતા બિંદાસ્ત કામ કરી રહ્યા છે કેમ કે પીએમ મોદીજી કહે છે ‘એક કદમ સ્વચ્છ ભારત કી ઓર’ જેને લઈ ખૂબ જ પ્રેરણા મળી છે. તો પછી સ્વચ્છ સુરત રાખી કોરોના જેવી બીમારીથી લોકોને બચાવવા રોજ 5 કલાક તમામ રોડ સફાઈ કર્મચારીઓ કામ કરી રહ્યા છે.વધુમાં જણાવ્યું હતું કે હાલ મને 9 માસનો ગર્ભ છે. છેલ્લા મહિનાઓ ચાલી રહ્યા છે. ઝોન ઓફીસ બંધ હોવાથી રજા લેવા પણ જવાયું નથી. સાહેબ આવા સમયમાં મારી જાગૃતતા જેટલી મારા ગર્ભ માટે હોવી જોઈએ એટલી જ હાલ આ મહામારી સામે છે એટલે ઘરે રહેવા કરતા કામ પર આવું છું. હું તો ધોરણ 7 પાસ છું પણ મારા શહેરીજનો તો ભણેલા છે અને મોદીજી આ ભણેલા ગણેલા લોકોને વારંવાર વિનંતી કરી રહ્યા છે કે લોકડાઉનનું પાલન કરો અને કોરોનાને ભગાડો પણ કેટલાક લોકો આ અપીલનો ભંગ કરી રહ્યા છે અને આખા શહેરને જ નહીં પણ દેશને કોરોના જેવી જીવલેણ બીમારીમાં ધકેલી રહયા હોય એમ લાગી રહ્યું છે. લોકોને હું આજીજી કરું છું હું તો મજબુર છું તમારી સુરક્ષામાં કામ કરવા પણ તમે તો મજબૂત છો ને તો પછી લોકડાઉનનું પાલન કરો એજ તમારી અને તમારા શહેરની સુરક્ષા છે.
સુરત : કોરોના વાઇરસની મહામારી વચ્ચે મહિલા સફાઈ કર્મચારી નવ માસના ગર્ભ સાથે સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત સુરતને સ્વચ્છ રાખવા રોજ 5 કલાકથી વધારે કામ કરે છે.
Advertisement