Proud of Gujarat
FeaturedGujaratINDIA

પંચમહાલ જિલ્લાનાં ગોધરા શહેરમાં કોરોનાનો 1 પોઝિટીવ કેસ મળતા તંત્ર દ્વારા સઘન પગલાં લેવાયા.

Share

ચીનના વુહાન પ્રાંતથી ફેલાયેલ અને સમગ્ર વિશ્વમાં મહામારીરૂપે પ્રસરેલ નોવેલ કોરોના વાયરસ કોવિડ-19 ના ફેલાવાને દેશભરમાં પ્રસરતો અટકાવવા માટે પ્રયાસો થઈ રહ્યા છે અને તે અંતર્ગત સંક્રમિત વ્યક્તિઓને અલગ તારવીને સારવાર આપવામાં આવી રહી છે. પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરની એક વ્યક્તિનો કોરોના ટેસ્ટ પોઝિટીવ આવતા શહેરના અન્ય નાગરિકોમાં સંક્રમણ પ્રસરે નહીં તે હેતુસર તંત્ર બમણી સજાગતાથી સક્રિય થયું છે. ગોધરા શહેરના એક વ્યક્તિમાં કોરોનાના લક્ષણો માલૂમ પડતા તેમને વડોદરા રિફર કરવા સાથે કોરોના વાયરસ ટેસ્ટ માટે સેમ્પલ મોકલવામાં આવ્યા હતા. જેમાં નોવેલ કોરોના વાયરસનું સંક્રમણ હોવાનું માલૂમ પડતા વડોદરાની સવિતા હોસ્પિટલ ખાતે તેમની સારવાર શરૂ કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરાએ આ સંદર્ભે જણાવ્યું હતું કે એક ગોધરાવાસી નાગરિકનો ટેસ્ટ પોઝિટિવ આવતા જિલ્લા આરોગ્યતંત્રની રેપિડ રિસ્પોન્સ ટીમ દ્વારા તેમના ઘર અને વિસ્તારની મુલાકાત લઈ અન્ય વ્યક્તિઓમાં કોરોનાના લક્ષણોની તપાસ સહિતની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. કોરોના કન્ટેઈનમેન્ટ પ્લાન હેઠળ કુલ 5 ટીમો દ્વારા આસપાસના 60 ઘરોના આખા વિસ્તારને બેરીકેડ કરીને સીલ કરવામાં આવ્યો છે, જેથી શહેરના અન્ય ભાગોમાં સંક્રમણ પહોંચવાની શક્યતાને નાબૂદ કરી શકાય. તેમણે જણાવ્યું હતું કે કોરોના પોઝિટીવ પુરુષના પરિવારજનો કે જેમાં 7 વ્યક્તિઓ છે તેમને હોમ ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. જો કે હાલ તેમનામાં કોરોનાના કોઈ પણ લક્ષણો જણાયા નથી. સંક્રમિત વ્યક્તિ છેલ્લા પાંચ દિવસમાં જેના સંપર્કમાં આવી હોય તેવી વ્યક્તિઓને ટ્રેસ કરીને તેમની એક કોન્ટેક્ટ લિસ્ટ બનાવવામાં આવી છે, જેમની તપાસ કરી તેમને પણ હોમ ક્વોરેન્ટાઈન કરી નિરીક્ષણ હેઠળ મૂકવામાં આવ્યા છે. આ ઉપરાંત, દર્દીના રહેઠાણની આસપાસના 60 ઘરોના વિસ્તારને સંક્રમણની શક્યતાને નજર હેઠળ રાખીને બંધ કરી દેવાયો છે. આ ઘરોના વ્યક્તિઓની પણ આરોગ્ય વિભાગની ટીમો અઠવાડિયામાં 2 વાર કોરોનાના સંભવિત લક્ષણો ચકાસવા મુલાકાત લેશે. તકેદારીના પગલારૂપે સમગ્ર એરિયાને ગોધરા નગરપાલિકા દ્વારા સેનિટાઈઝ કરવામાં આવ્યો છે. જિલ્લા સમાહર્તાશ્રી અરોરાએ કોરોનાગ્રસ્ત વ્યક્તિના સંપર્કમાં આવેલી વ્યક્તિઓને આગળ આવી તંત્રને તેની જાણ કરવા અપીલ કરી હતી, જેથી શહેરમાં સંક્રમણની ચેઈનને આગળ વધતા રોકી શકાય. તેમણે કોરોનાના લક્ષણો જણાય કે તેના સંબંધી કોઈ પણ જાણ કરવા માટે પંચમહાલ જિલ્લા કંટ્રોલરૂમનો નંબર 02672- 250668 કે કોરોના હેલ્પલાઈન (02672) 1077 પર સંપર્ક કરવા અનુરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે સાવધાની અને સતર્કતાથી જ આ મહામારીને જિલ્લામાં પ્રસરતી અટકાવી શકાશે, જે માટે જિલ્લાવાસીઓની જાગરૂકતા અને સક્રિયતા અત્યંત જરૂરી છે. જિલ્લાવાસીઓને પરિસ્થિતિથી ભયભીત થયા વગર તંત્ર દ્વારા જાહેર કરાયેલા લોક ડાઉન અને સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતના બચાવના પગલાઓને અનુસરવા, અફવાઓથી દૂર રહેવા તેમજ કોરોનાના લક્ષણો દેખાય તો તંત્રનો સંપર્ક કરવા અપીલ કરી હતી.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

ભરૂચ : અંકલેશ્વરનાં ભંગારનાં ગોડાઉનમાં આગ લાગી.

ProudOfGujarat

નડિયાદ રેલવે સ્ટેશન પર ટ્રેનોના સ્ટોપેજ માટે શહેર કોંગ્રેસ પ્રમુખે કરી રજુઆત

ProudOfGujarat

નર્મદા જિલ્લામાં કોવીશિલ્ડ વેકસીનનો પ્રથમ ડોઝ લેનાર લાભાર્થીઓએ ૪૨ દિવસ બાદ વેકસીનનો બીજો ડોઝ લેવાનો રહેશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!