વિશ્વ વ્યાપી કોરોના વાયરસની બિમારી ભારતમાં પણ દેખાવા પામી છે. ત્યારે આગમચેતીના રુપે કેન્દ્ર સરકાર દ્વારા ૨૧ દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવતા વાહનવ્યવહાર પણ બંધ થયો છે.છોટાઉદેપુર ઉપરાંત મધ્યપ્રદેશ તરફથી દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં રોજી મેળવવા આવતા શ્રમિકો કામો બંધ થતા પોતાના વતનમાં જવા તૈયાર હતા પરંતુ વાહનવ્યવહાર બંધ થતા મોટાભાગના શ્રમિકો પગપાળા જવા મજબુર બન્યા હતા.ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ઉમલ્લા ગામે પણ પગપાળા જતા શ્રમિકો આવી પહોંચ્યા હતા.ત્યારે ગામલોકો અને અગ્રણીઓ તેમજ પોલીસ દ્વારા આવા પગપાળા જતા શ્રમિકોને ખીચડી શાક બનાવીને જમાડ્યા હતા અને અગ્રણીઓ રશ્મિકાંત પંડ્યા નરેન્દ્રભાઈ વસાવા ઉમલ્લા પીએસઆઇ વલ્વી તેમજ અન્ય અગ્રણીઓ અને ગામલોકો દ્વારા વતનમાં જતા શ્રમિકોને વાહનની સગવડ કરીને વતનમાં પહોંચાડાયા હતા.મળતી માહિતી મુજબ અંદાજે ૫૦૦ જેટલા શ્રમિકો માટે વાહનોની સગવડ કરવામાં આવી હતી.કોરોના ઇફેક્ટ વચ્ચે માનવતાની મહેંક જોવા મળી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ