વિશ્વભરમાં નોવેલ કોરોના વાયરસ COVID-19 ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવી છે. ગુજરાતમાં પણ હાલ COVID-19 થી સંક્રમિત વ્યક્તિઓના 29 જેટલા કેસો નોંધાયા છે. આ વાયરસને ફેલાતો અટકાવવા રાજ્ચ સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા 13/03/2020ના જાહેરનામાથી ગુજરાત એપિડેમિક ડિસીઝીસ કોવિડ-19 રેગ્યુલેશન્સ-2020 જાહેર કરવામાં આવ્યો છે. જેના અનુસંધાને નોવેલ કોરોના વાયરસના ઝડપી સંક્રમણને ધ્યાને લેતા તકેદારીના ભાગરૂપે પંચમહાલ જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરા (આઈ.એ.એસ.) દ્વારા સને.1973ના ક્રિમીનલ પ્રોસીજર કોડની કલમ-144 તથા ગુજરાત પોલિસ અધિનિયમની કલમ-37 (4) હેઠળ મળેલ અધિકારની રૂએ વિશેષ નિયંત્રણો મૂકતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેર હુકમ હેઠળ સમગ્ર પંચમહાલ જિલ્લામાં જાહેર સ્થળોએ સક્ષમ સત્તાધિકારીની પૂર્વ મંજૂરી વિના ચાર કે ચારથી વધુ વ્યક્તિઓના એકસાથે ભેગા થવા પર, પૂર્વ લેખિત મંજૂરી વિના વિશાળ સંખ્યામાં લોકો એકઠા થાય તેવા કોઇપણ પ્રકારના કાર્યક્રમો જેવા કે સભા, સરઘસ, સંમેલન, મેળાવડા કે લોકમેળા જેવા કોઈ આયોજનો કરવા પર તેમજ યોજાયા હોય ત્યાં વિશાળ સંખ્યામાં લોકોને ઉપસ્થિત રહેવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ ઉપરાંત મોટી સંખ્યામાં લોકોની અવરજવર રહેતી હોય તેવા મોલ, મલ્ટીપ્લેક્સ, સિનેમા અને નાટયગૃહો, જીમ, સ્પોર્ટસ કોમ્પલેકસ, સ્વિમીંગ પુલ, ડાન્સ ક્લાસ, ગેઇમ ઝોન, ક્લબ હાઉસ, જિમ્નેશિયમ, વોટર પાર્ક, ઓડિટોરિયમ, એમ્યુઝમેન્ટ પાર્ક, પાર્ટી પ્લોટ, મેરેજ હોલ-વાડી, હાટબજાર જેવા તમામ સ્થળો જાહેર જનતા માટે બંધ રાખવાના રહેશે. આ ઉપરાંત સરકાર દ્વારા ખુલ્લી રાખવા માટે મંજૂરી અપાઈ હોય તે સિવાયની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને ટ્યુશન ક્લાસીસ, શૈક્ષણિક કામગીરી સાથે સંકળાયેલી સરકારી તેમજ ખાનગી હોસ્ટેલો તાત્કાલિક અસરથી બંધ રાખવાના રહેશે. આ ઉપરાંત, જાહેર બાગ-બગીચાઓ, તમામ ધાર્મિક મેળાવડાઓ, પાન-માવાના ગલ્લાઓ, જ્યાં મોટી સંખ્યામાં અવર-જવર રહેતી હોય તેવી દુકાનો બંધ રાખવાની રહેશે. આ જાહેરનામાથી જિલ્લામાં કતલખાના તેમજ પશુઓની કતલ અને માંસ વગેરેનું ખરીદ-વેચાણ તાત્કાલિક અસરથી બંધ કરવા જણાવાયું છે. કોરોના વાયરસ અંગે કોઇપણ પ્રકારની અફવા કોઇપણ પ્રકારના માધ્યમ મારફતે ફેલાવનાર વ્યક્તિ સામે કાયેદસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જો કોઇ મુસાફર જાહેર થયેલ કોરોના વાયરસ પોઝીટીવ વિસ્તાર-દેશમાંથી છેલ્લા ૧૪ દિવસમાં મુસાફરી કરીને આવ્યા હોય તો તેમને નજીકની સરકારી હોસ્પિટલ ખાતે (૨૪X૭) કંટ્રોલરૂમ ફોન નં. 02672-250668 અથવા હેલ્પલાઇન નં.૧૦૪ પર જાણ કરવી ફરજિયાત છે. તંત્રની સૂચના અનુસાર હોમ ક્વોરેન્ટાઈન/આઈસોલેશન પ્રોટોકોલનું ચુસ્તપણે પાલન ન કરનારને ફરજિયાત રીતે પંચમહાલ જિલ્લાના ક્વોરેન્ટાઈન વોર્ડમાં ખસેડી એપિડેમિક એક્ટ હેઠળ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. જાહેર રસ્તાઓ, સ્થળો પર થૂંકીને કે અન્ય રીતે ગંદકી ફેલાવનાર વ્યક્તિ સામે નિયમોનુસાર દંડ વસૂલ કરવાની કાર્યવાહી હાથ ધરાશે. આ હુકમનો અમલ તા.23/03/2020થી તા.31/03/2020 (બંને દિવસો સહિત) કરવાનો રહેશે. આ હુકમ સરકાર કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા તરફથી જાહેર હિતમાં કરવામાં આવતા કાર્યક્રમો તેમજ સરકારી ફરજ અથવા કામગીરીમાં હોય તેવા હોમગાર્ડસ કે કાયદેસરની ફરજ પર હોય તેવી સરકારી-અર્ધસરકારી એજન્સીઓને તથા સ્મશાનયાત્રા અને લગ્નના વરઘોડાને લાગુ પડશે નહિ. આ હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનાર વિરૂદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ-188 તેમજ ગુજરાત પોલિસ અધિનિયમ-1951 ની કલમ-135 મુજબ શિક્ષાપાત્ર ઠરશે.
કોરોના વાયરસ સંક્રમણને ફેલાતો અટકાવવા પંચમહાલ જિલ્લા કલેકટરશ્રી દ્વારા વિશેષ નિયંત્રણો મૂકતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું.
Advertisement