સુરત મહાનગર પાલિકાના વધુ એક લાંચિયા અધિકારી સામે લાંચ રૂશવત વિભાગે તવાઈ બોલાવી છે. મનપાના કતારગામ ઝોનના મદદનીશ ઈજનેર સામે અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધ્યો છે. સુરત મહાનગર પાલિકામાં મદદનીશ ઈજનેર તરીકે ફરજ બજાવતા રાજેશ પટેલ સામે એસીબીએ ગુનો દાખલ કરતા લાંચિયા અધિકારી વર્ગમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. એન્ટી કરપ્શન વિભાગની તપાસમાં મનપાનાં મદદનીશ ઈજનેર રાજેશ પટેલ પાસે આવક કરતા 84 લાખ રૂપિયા ઉપરાંત વધુ સંપત્તિ મળી આવી હતી. જે અંગે તેઓ સાનુકુળ ખુલાસો કરી શકયા ન હતા. એસીબીના સૂત્રોના જણાવ્યા મુજબ રાજેશ પટેલે આવક કરતાં 61 ટકા વધુ સંપત્તિ ભેગી કરી હતી.નોંધવું ઘટે કે આ અગાઉ પણ રાજેશ પટેલ સામે લાંચ લેવાનો ગુનો દર્જ થવા પામ્યો હતો. એસીબી પોલીસે મદદનીશ ઈજનેર રાજેશ પટેલની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
Advertisement