સુરત મહાનગર પાલિકાના લીંબાયત ઝોનના ડેપ્યુટી ટાઉન પ્લાનરે ગેરકાયદેસર બાંધકામ નહીં તોડવાના બદલામાં દોઢ લાખની લાંચ માંગતા એન્ટી કરપ્શન બ્યુરોમાં આ બાબતે ફરિયાદ થતા એસીબીની ટીમે લાંચનું છટકુ ગોઠવી ડે.ટાઉન પ્લાનર અશ્વિનકુમાર ટેલરને લાંચની રકમ લેતા ઉધના દરવાજા ડીસીબી બેંકની બાજુમાં જાહેર રોડ ઉપરથી રંગે હાથ ઝડપી પાડ્યા હતા. ઉલ્લેખનીય છે કે એ.કે.ટેલર અગાઉ જમીનના વિવાદમાં સસ્પેન્ડ પણ થયા હતા. આ અંગે મળતી વિગત મુજબ માર્કેટમાં મેન્ટેનન્સ મેનેજર તરીકે કામ કરતા વ્યક્તિને કોમન પેસેજ તથા ગેરકાયદેસર બાંધકામ બાબતની લીંબાયત ઝોનના ડેપ્યુટી ટાઉન પ્લાનર અશ્વિનકુમાર ખુશમનલાલ ટેલર દ્વારા નોટીસ આપવામાં આવી હતી, અને જો આ ગેરકાયદેસર બાંધકામ દુર ન કરવું હોય તો તેના અવેજ પેટે રૂ.૧.૫૦ લાખની લાંચની રકમ લીંબાયત ઝોનના ડેપ્યુટી ટાઉન પ્લાનર અશ્વિન ટેલરે માંગી હતી. જોકે મેનેજર લાંચ આપવા માંગતો ન હતો, જેથી તેણે આ અંગે એસીબીનો સંપર્ક કરી અશ્વિન ટેલર વિરૂદ્ધ લાંચ માંગવામાં આવતી હોવાની ફરિયાદ આપી હતી. આ અનુસંધાને એન્ટી કરપ્શન બ્યુરોના મદદનીશ નિયામક નિરવસિંહ ગોહીલના માર્ગદર્શન હેઠળ ટ્રેપિંગ ઓફીસર કે.જે.ચૌધરીએ લાંચનું છટકુ ગોઠવ્યું હતું. જેમાં લાંચની રકમ ઉધના દરવાજા ડીસીબી બેંકની બાજુમાં કેનેરા બેંકની સામે આપવાનું નક્કી થયું હતું. ફરિયાદી અને આરોપી અશ્વિન ટેલર લાંચની રકમની આપ-લે કરતા હતા તે સમયે એસીબીની ટીમ ત્રાટકી હતી અને તેને રૂ.૧.૫૦ લાખની લાંચ સ્વીકારતા રંગે હાથ ઝડપી પાડયા હતા.
સૌજન્ય : અકિલા ન્યુઝ