નેત્રંગ ટાઉનમાં બે પાડા વચ્ચે થયેલ મહાયુદ્ધમાં ફોર વ્હીલ ધારકને રૂપિયા પચાસ હજારનું નુકસાન થતાં ચકચાર મચી જવા પામી છે. તો બીજી તરફ દરેક વિસ્તારમાં ટોળેટોળા ફરતી ગાયો, ભેંસો, બકરીઓ તેમજ પાડાઓને લઈને પ્રજાને થતા નુકસાન અકસ્માતને લઈને પ્રજા પોકારી ઉઠી છે. જયારે ગ્રામ પંચાયતનું વહીવટી તંત્ર છૂટા રખડતા ઢોરો બાબતે કડક વલણ નહીં અપનાવતા પશુ પાલકોને પોતાના ઢોરો છૂટા રાખવાનો જાણે અધિકાર પ્રાપ્ત થઈ ગયો છે. જયારે પોલીસ તંત્ર દ્વારા પશુ પાલકો સામે કડક કાર્યવાહી કરવાની પ્રજા માંગ કરી રહી છે. નેત્રંગ ટાઉનમાં વહીવટી તંત્રની મહેરબાનીને લઈને ગામમાં વસતા ભરવાડ(માલધારી)ઓને પોતાના પશુ ટાઉનભરમાં છૂટા રખડતા મૂકી દેવાનો છૂટોદોર મળી ગયો છે, ત્યારે આજે તા.6 માર્ચનાં રોજ ટાઉનનાં તુલસી ફળિયામાં તેમજ જલારામ ફળિયા વિસ્તારમાં બે પાડાઓ વચ્ચે મહાયુદ્ધ પ્રારંભ થયું હતું. બંને પાડાઓ લડતાં લડતાં છેક ગાંધીબજાર વિસ્તારમાં આવી પહોંચ્યા હતા.
જયાં એક બાઇક ચાલકને અડફેટે લીધા બાદ બંને વચ્ચે યુદ્ધ આગળ ચાલતા એક નાજુક પાડાએ ગાંધીબજાર વિસ્તારમાં રહેતા પંચાલ રિતેશભાઇ નવનીતલાલનાં ઘર આંગણે જેઓએ 24 દિવસ પહેલા જ મોંધી ફોર વ્હીલ ગાડી લીધી છે.
તેની પાસે આવી બેસી જતાં જોરાવર પાડાએ બેસી પડેલા પાડા પર સતત ભેટી મારવાનું ચાલુ રાખતા પાડા સહિત મોંધી કાર પર પણ પાડાએ હુમલો ચાલુ રાખતા કારની પાછળનાં ભાગમાં આવેલ ડીકી, દરવાજામાં ભારે નુકસાન થવા પામેલ છે. બંને પાડા વચ્ચે ફોર વ્હીલ ગાડી પાસે જ 15 થી 20 મિનીટ સુધી લડાઈ ચાલી હતી. જેને જોવા માટે લોકટોળા એકત્ર થયા હતા.
લોકોએ બંને પાડાઓને છૂટા પાડવા માટે પાણીથી લઈને લાકડીઓ મારી છૂટા પાડવાનો ભારે પ્રયત્ન કર્યો હતો. મહા મહેનતે બંનેને છૂટા પાડવામાં આવ્યા હતા. ત્રણ વિસ્તારમાં બંને પાડા વચ્ચે ચાલેલ આ લડાઈમાં કોઈ માં ના બાળકો કે વૃદ્ધો અડફેટે આવ્યા હોત તો ભારે થઈ પડતે. ઘર આંગણે મુકેલ ગાડીને બે પાડા વચ્ચેનાં યુદ્ધમાં ફોર વ્હીલ ગાડી ભોગ બની છે. ત્યારે માલિક રિતેશભાઈ નવનીતભાઈ પંચાલને રૂપિયા 50 હજારથી 60 હજાર રૂપિયાનું નુકસાન થયાનો અંદાજ શો રૂમવાળાએ કર્યો છે. ટાઉનમાં રખડતા ઢોરો બાબતે ગ્રામ પંચાયતનું વહીવટી તંત્ર નેત્રંગ પોલીસને સાથે રાખીને પશુ પાલકો સામે કડક કાર્યવાહી કરે તેવું ચર્ચાઇ રહ્યું છે.
નેત્રંગ ટાઉનમાં બે પાડા વચ્ચે થયેલ મહા યુદ્ધમાં ફોર વ્હીલ ધારકને રૂ.50,000 નું નુકસાન.
Advertisement