ઝઘડીયા તાલુકાના રાજપારડી નજીકના સારસા ગામના બસસ્ટેન્ડ પાસે છાસવારે થતાં અકસ્માતોને પગલે ગ્રામજનોમાં ચિંતા ફેલાવા પામી છે.અકસ્માતોની વણથંભી પરંપરાને યથાવત રાખતો હોય તેમ ગઇકાલે તા.૨૭ મીના રોજ સવારના કોઇ અજાણ્યો વાહનચાલક સારસા ગામનાં જ મનાભાઇ વસાવા નામના એક યુવકને અડફેટમાં લઇને ભાગી છુટ્યો હતો.અકસ્માત બાદ ઘટના સ્થળે ગ્રામજનો દોડી આવ્યા હતા અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા યુવકને એમ્બ્યુલન્સ બોલાવીને અવિધા ખાતે સારવાર માટે મોકલ્યો હતો.ત્યારબાદ ઇજાગ્રસ્ત યુવકને અંકલેશ્વર ખાતે સારવાર માટે લઇ જવાયો હતો.ઘટના સ્થળે એકત્ર થયેલા ગ્રામજનોએ અકસ્માત કરી ભાગી છુટેલા વાહનચાલક પ્રત્યે રોષની લાગણી વ્યક્ત કરી હતી અને અત્રે ગતિ અવરોધકો બનાવવાની માંગણી કરી હતી.ઉલ્લેખનીય છેકે ઉમલ્લા તરફથી આવતા વાહનો પૈકી ઘણા વાહનો રોંગ સાઇડનો ઉપયોગ કરી દોડતા હોય છે.સારસા બસ સ્ટેન્ડ નજીકથી પસાર થતાં આ ધોરીમાર્ગની બંને તરફ સારસા ગામ વસે છે. વળી શાળાએ જવા પણ બાળકોએ રોડ ઓળંગવો પડે છે અને ગ્રામજનોએ પણ અવારનવાર રોડની એક તરફથી બીજી તરફ જવુ પડે છે.બેફામ દોડતા વાહનો ગામની વસ્તીની પરવા કર્યા વિના પુરપાટ દોડતા હોય છે.માર્ગની બંને તરફ ગામ વસતુ હોવાથી રોડ પર ગતિ અવરોધકો બનાવવાની જરૂર છે.સારસા ગામના બસસ્ટેન્ડ પાસે અકસ્માતોની પરંપરા ચાલુ રહેતા ગ્રામજનો ચિંતિત બન્યા છે.ખાસ કરીને રોંગ સાઇડે દોડતા વાહનો પ્રત્યે પોલીસ લાલ આંખ કરીને આવા નિયમોનો ભંગ કરતા વાહન ચાલકો પ્રત્યે કડક પગલા ભરે તેવી માંગણી ગ્રામજનો કરી રહ્યા છે. સ્ટેચ્યુને જોડતા આ મહત્વના ધોરીમાર્ગની કામગીરી હાલ વિલંબમાં પડી છે.ત્યારે ખરાબ રસ્તાની સમસ્યા તો છે જ, તેમાં આ રોંગસાઇડે દોડતા વાહનો સમસ્યામાં વધારો કરી રહ્યા છે.સારસા ગામે બસસ્ટેન્ડ નજીક વારંવાર થતાં અકસ્માતોમાં ઘણા અકસ્માતો જીવલેણ પણ સાબિત થયા છે.ત્યારે ગ્રામજનો અહીં સ્પિડ બ્રેકરો બનાવવા ઉચ્ચ કક્ષાએ સક્ષમ રજુઆત કરે તો ધાર્યું પરિણામ મળી શકે એવું હાલ તો દેખાઇ રહ્યુ છે.
ઝઘડીયા : સારસા બસ સ્ટેન્ડ નજીક અકસ્માતોને પગલે માર્ગની બંને તરફ ગતિ અવરોધક બનાવવાની માંગ.
Advertisement