પાલેજ નજીક આવેલા કરજણના વલણ ગામના પાદરમાં “T.K. આઈડિઅલ એજ્યુકેશનલ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ અને “T.K. આઈડિઅલ નૉલેજ અકેડમી”ના સંયુક્ત ઉપક્રમે ગામના તેજસ્વી તારલાઓનો 9 મો ઈનામ વિતરણ અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. સન્માન સમારંભના પ્રારંભમાં 41 તેજસ્વી તારલાઓને મેડલ એનાયત કરવામાં આવેલા હતા. જેમાં હજારોની જનમેદની વચ્ચે તેજસ્વી તારલાઓનું જાહેરમાં મુખ્ય મહેમાન તરીકે પધારેલ વાગરા મામલતદાર કચેરીના સબ-રજીસ્ટ્રાર ફારૂક એ. પટેલ, વડોદરા જીલ્લા પંચાયતના ઉપ પ્રમુખ મુબારક પટેલ, ભરૂચ કન્સલ્ટન્ટ સાયકોલોજીસ્ટ ડૉ.સાજીદ ડાય, ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના સેક્રેટરી સમશાદઅલી સૈયદ, વડોદરા CSC ના ડિસ્ટ્રીક મેનેજર તરૂણ પટેલ અને જીગર વરિયા, ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી ઝુલ્ફીકાર સૈયદ, પત્રકાર ઝફર ગડીમલ તેમજ શિક્ષણવિદોના હસ્તે આ સમારંભમાં 41 મેડલ, 2 એવોર્ડ, 13 શિક્ષકોને સન્માનપત્ર, 19 પ્રમાણપત્ર, 29 કોમ્પ્યુટર સર્ટિફિકેટ, 8 મહેંદી ડિઝાઈન કોર્ષ સર્ટિફિકેટ આમ તેજસ્વી તારલાઓ પર 111 ઇનામોની વર્ષા થવા પામી હતી. આ વર્ષે બેસ્ટ સ્ટુડન્ટ ઓફ ધ યરનો એવોર્ડ અકસા વાંસીવાલાને અને બેસ્ટ કોર્ડિયોગાફરનો એવોર્ડ અકીલા કિકાને એનાયત કરવામાં આવ્યો હતો.
સાંસ્કૃતિક કાર્યક્રમના આરંભમાં ભૂલ્કાઓએ મોંઘેરા મહેમાનોનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ છાત્રોએ ભારત દેશની ગરીમા અને ભવ્યતાને ઉજાગર કરતા દેશભક્તિ ગીતો, નૃત્યો, ભૂલકા ડાન્સ, નજમ, કવ્વાલી રજૂ કરીને હાજર જનોના હૈયાં ડોલાવ્યા હતા. તો બીજી બાજુ થીમ બેઝ એક્શન સોન્ગ કમ ડ્રામાની અભિવ્યક્તિથી સૌને સ્તબ્ધ કરી દીધા હતા. જેમાં બળાત્કારના દુષણથી પોતાની જાતને બચાવવા સ્ત્રી સશક્તિકરણ અભિનય ગીત, સ્માર્ટ ફોનના રવાડે ચડી ગયેલા બાળકો અને તેમના વાલીઓને જાગૃત કરતા વિવિધ કાર્યક્રમો રજૂ કરી બાળકોએ પોતાનું કૌશલ્ય બતાવ્યું હતું.
અભિનયથી માંડીને નૃત્ય સુધીના વિધ-વિધ સાંસ્કૃતિક કાર્યક્રમોથી બાળકોએ સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. વડોદરા CSC ના ડિસ્ટ્રીક મેનેજર તરૂણ પટેલ અને જીગર વરિયાએ હજારોની જનમેદનીને ખુશખબર આપતા જણાવ્યું હતું કે, વલણ ગામની આસપાસના 100 ગામમાંથી વલણ ગામે ભારત સરકાર દ્વારા CSC અકેડમી સેન્ટરની માન્યતા આપવામાં આવી છે, જે ન્યુ દિલ્હીની ગાઈડલાઈન અને ટીકિકા અકેડમીના ડાયરેક્ટર તૌસીફ કિકાના માર્ગદર્શન હેઠળ ચાલશે. જેનો લાભ કરજણ તાલુકાના દરેક ગામોને મળશે.સાઈકૉલોજીસ્ટ ડૉ.સાજીદ ડાયે બાળકોના વાલીઓને ટકોર કરતા કહ્યું કે, તેમને નાની નાની બાબતોમાં ટોક ટોક ન કરવા જોઈએ. બાળકોને મનગમતી પ્રવૃત્તિ કરવા દો જેથી તેમનો માનસિક વિકાસ થઈ શકે.મુખ્ય મહેમાન સ્થાનેથી મામલતદાર કચેરી, વાગરાના સબ રજીસ્ટ્રાર ફારૂક પટેલે અકેડમીના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમમા થયેલી અફલાતૂન એક્ટિંગને બિરદાવી હતી અને ટીકિકા અકેડમીના ડાયરેક્ટર તૌસીફ કિકાને અભિનંદન પાઠવી હાજરજનોને જણાવ્યું હતું કે,
આજના સ્પર્ધાત્મક યુગમાં ઉચ્ચ અભ્યાસ કરીને રાષ્ટ્રને સારા અધિકારીઓની જરૂર છે, માટે ચીલાચાલુ શિક્ષણ ન મેળવતા ગ્રેજ્યુએશન દરમિયાન GPSC, UPSC ની તૈયારી શરૂ કરવી પડશે. સુવ્યવસ્થિત નોલેજ મેળવીને જ્ઞાનની ક્ષિતિજો વિસ્તારી સમાજ અને રાષ્ટ્રને નવી ઉંચાઈ પર લઈ જાય તેવા શિક્ષણની જરૂર છે.
ઇમરાન ઐયુબ મોદી-પાલેજ
કરજણના વલણ ગામે તેજસ્વી તારલાઓનો 9 મો સન્માન સમારંભ યોજાયો.
Advertisement