સુરત મહાનગર પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં ભરતી પ્રક્રિયા માટે લેવામાં આવતા મેડિકલ ટેસ્ટમાં મહિલાઓને નિર્વસ્ત્ર કરી અંગત સવાલો કરવામાં આવ્યા હોવાની પાલિકા કમિશનરને ફરિયાદ કરવામાં આવી છે.પાલિકા કર્મચારી યુનિયન દ્વારા કરવામાં આવેલી ફરિયાદના પગલે પાલિકા કમિશનર દ્વારા સમિતિની રચના કરી તપાસના આદેશ આપવામાં આવ્યા છે. તાલીમાર્થી ક્લાર્કની હંગામી ક્લાર્ક તરીકે લેવાની ભરતી પ્રકિયા ચાલી રહી છે. સહારા દરવાજા ખાતે આવેલી પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે. સુરત પાલિકા કર્મચારી યુનિયન દ્વારા પાલિકા કમિશનરને કરવામાં આવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, ત્રણ વર્ષ પહેલા તાલીમાર્થી કલાર્કની ભરતી કરવામાં આવી હતી. તેમણે તાલીમાર્થી તરીકે ત્રણ વર્ષ પૂર્ણ કર્યા હોવાથી હંગામી કલાર્કો તરીકે સમાવેશ કરવાનો હોય નિયમાનુસાર ‘સેવાપોથી’ ભરવાની થાય અને તે માટે મેડિકલ ટેસ્ટ અનિવાર્ય હોય છે. હાલમાં આવા કર્મચારીઓના મેડિકલ ટેસ્ટ સ્મીમેર હોસ્પિટલમાં કરવામાં આવી રહ્યા છે. વધુમાં જણાવ્યું છે કે, મેડિકલ ટેસ્ટ ફરજીયાત કરવામાં આવી નિયમોનુસારની પ્રક્રિયા છે અને તે ફરજીયાત છે. પુરૂષ કર્મચારીઓ તરફથી કોઈ ફરિયાદ નથી. જોકે, મહિલા કર્મચારીઓ તરફથી પાલિકા યુનિયનને ઘણી ફરિયાદો મળી છે. સ્મીમેર હોસ્પિટલમાં મહિલા કર્મચારીઓને એક સાથે સામૂહિક તપાસ માટે રજૂ કરવામાં આવે છે અને નિર્વસ્ત્ર કરી અંગત સવાલો કરી ટેસ્ટ હાથ ધરવામાં આવે છે. મહિલા કર્મચારીઓને પ્રેગનેન્સી અને પિરિયડ બાબતના અંગત સવાલો કરવામાં આવ્યા હતા. વન બાય વન તપાસ કરવી જરૂરી છે. સામૂહિક રીતે તપાસ કરવી ગેરકાનૂની જ નહીં પરંતુ માનવતા વિરુદ્ધની અને કુદરતી ન્યાયના સિદ્ધાંત વિરુદ્ધની પણ છે. જે પ્રક્રિયા તાત્કાલિક બંધ કરવા અપીલ છે. સમગ્ર ઘટનાની લોકોમાં ભારે ચર્ચા ચાલી રહી છે.
સુરત : સ્મીમેર હોસ્પિટલમાં ભરતી પ્રક્રિયા માટે લેવામાં આવતા મેડિકલ ટેસ્ટમાં મહિલાઓને નિર્વસ્ત્ર કરી અંગત સવાલો કરતાં પાલિકા કમિશનરને ફરિયાદ કરવામાં આવી.
Advertisement