મેલેરીયા મુક્ત ગુજરાત ૨૦૨૨ અન્વયે વિરમગામ સહિત અમદાવાદ જીલ્લામાં વાહકજન્ય રોગોના નિયંત્રણ માટે વર્ષ-૨૦૧૯ દરમ્યાન જે વિસ્તારમાં મેલેરીયા, ડેન્ગ્યુ, ચિકનગુનીયાના કેસો નોંધાયેલ હોય તેમજ અર્બન વિસ્તાર, પેરીફેરી વિસ્તારમાં જનજાગૃતિ માટે રાત્રીસભાઓ શરૂ કરવામાં આવી છે.
આરોગ્ય વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ દ્વારા રાત્રીસભામાં ગ્રામજનોને પોરાનું લાઇવ ડેમોસ્ટ્રેશન, મેલેરીયાથી બચવાના ઉપાયો નિદાન સારવાર સહિતની માહીતી આપવામાં આવી રહી છે. વિરમગામ તાલુકામાં રાત્રીસભાઓને સફળ બનાવવા માટે તાલુકા હેલ્થ ઓફિસર ડો.વિરલ વાઘેલા, નીલકંઠ વાસુકિયા, કે એસ ઠાકોર, બી એફ સાપરા, જયેશ પાવરા, વી.એ સાપરા સહિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમા મેડીકલ ઓફિસર સહિત આરોગ્ય કર્મચારીઓ ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. અમદાવાદ જિલ્લા મેલેરીયા અધિકારી નરેન્દ્રસિંહ રાઠોડે જણાવ્યુ હતુ કે, સામાન્ય રીતે આરોગ્ય કર્મચારીઓ દ્વારા વાહકજન્ય રોગ નિયંત્રણ માટે ફરજના સમય દરમ્યાન જનજાગૃતિ કરીને લોકોને આરોગ્ય શિક્ષણ આપવામાં આવી રહ્યુ છે. પરંતુ દિવસ દરમ્યાન અનેક લોકો કામ ધંધા અર્થે બહાર ગયેલા હોવાથી તેઓ વંચીત રહી જાય છે. જેથી રાત્રી દરમ્યાન મોટાભાગના લોકો ઘરે હોય અને મહત્તમ લોકો સુધી વાહકજન્ય રોગ નિયંત્રણની સચોટ માહીતી પહોંચાડી શકાય તે માટે વિરમગામ સહિત અમદાવાદ જીલ્લામાં રાત્રીસભાઓ શરૂ કરવામાં આવી છે. રાત્રીસભામાં અધિકારીઓ/કર્મચારીઓ દ્વારા મેલેરીયા થવાના કારણો, મેલેરીયાથી બચવાના ઉપાયો, મેલેરીયાનું નિદાન તથા સારવાર, પોરા નિદર્શન, ૧૦૪ ફિવર હેલ્પ લાઇન સહિતની જરૂરી તમામ મહીતીઓ આપવામાં આવી રહી છે. રાત્રી સભાઓમાં જીલ્લા અને તાલુકાની ટીમ ઉપરાંત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના અધિકારીઓ કર્મચારીઓ સહિત ગ્રામજનો જોડાઇ રહ્યા છે.
વંદના નીલકંઠ વાસુકિયા – વિરમગામ