રાજપીપળા, નર્મદા જિલ્લા મેજીસ્ટ્રેટ મનોજ કોઠારીયાએ તેમને મળેલી સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા રાજપીપળા શહેર વિસ્તારમાં વડિયા જકાતનાકાથી રંગ અવધુત મંદિર સુધી સવારના ૬:00 કલાકથી રાત્રિના ૧૦:૩૦ કલાક સુધી ભારે/મોટા વાહનો રાજપીપળા શહેરમાં પ્રવેશવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે અને ભારે/ મોટા વાહનોના બાયપાસ માટેનું ફરમાન કર્યું છે. તદ્દઅનુસાર બોડેલી, કેવડીયા તરફથી આવતા અને અંકલેશ્વર, ભરૂચ, બરોડા તરફ જતા વાહનો રાજપીપળા વડીયા જકાતનાકા થઇ ખામર, વિરપોર ત્રણ રસ્તા થઇ રાજપીપળા રંગ અવધુત થઇ અંકલેશ્વર, ભરૂચ, બરોડા તરફ જઇ શકશે. તેવી જ રીતે બરોડા તરફથી આવતા વાહનો દેડીયાપાડા, સાગબારા, મહારાષ્ટ્ર તેમજ બોડેલી, કેવડીયા, એમ.પી. તરફ જતા વાહનો રંગ અવધુત ત્રણ રસ્તા થઇ વિરપોર ત્રણ રસ્તા થઇ ખામર થઇ વડીયા જકાતનાકા તરફ જઇ શકાશે. જ્યારે અંકલેશ્વર, ભરૂચ તરફથી દેડીયાપાડા, સાગબારા, મહારાષ્ટ્ર તેમજ બોડેલી, કેવડીયા, એમ.પી. તરફ જતા વાહનો વિરપોર ત્રણ રસ્તા થઇ ખામર થઇ વડીયા જકાતનાકા તરફ જઇ શકાશે તેમજ દેડીયાપાડા, સાગબારા તરફથી આવતા વાહનો અંકલેશ્વર, બરોડા, બોડેલી, કેવડીયા, એમ.પી. તરફ જતા વાહનો ખામર ત્રણ રસ્તા થઇ વડીયા જકાતનાકા થઇ તેમજ વિરપોર ત્રણ રસ્તા થઇ રંગ અવધુત ત્રણ રસ્તા થઇ જઇ શકશે.
રાજપીપલા ટાઉન વિસ્તારમાં માલ સામાન લાવવા લઇ જવા માટે ભારે વાહનો સવારના ૬:૦૦ થી સવારના ૯:૦૦ સુધી તેમજ બપોરના ૨:00 થી બપોરના ૪:૦૦ કલાક સુધી પ્રવેશી શકશે.આ હુકમનું ઉલ્લંઘન કરનાર સામે કાયદેસરના પગલાં લેવામાં આવશે. આ હુકમનો ભંગ થયે નર્મદા જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સ્પેકટર કે તેથી ઉપલા દરજજાના તમામ પોલીસ અધિકારીઓને હુકમનો ભંગ કરનાર સામે ફરીયાદ માંડવા અધિકૃત કરવામાં આવ્યા છે.
રાજપીપળા, આરીફ જી કુરેશી