વેલેન્ટાઈન ડે નું નામ અવતા જ દરેકના મનમાં ગુલાબનું ફૂલ, પ્રેમી, પ્રેમિકા જેવા શબ્દોના વાદળો મંડરાય છે, અને સમગ્ર વિશ્વમાં વેલેન્ટાઈન ડે ને પ્રેમી પંખીડા એકબીજાને ગુલાબનું ફૂલ આપીને ઉજવતા હોય છે, ત્યારે રાજપીપળાની એમ.આર. આર્ટસ એન્ડ સાયન્સ કોલેજમાં પશ્ચિમી સંસ્કૃતિને નેવે મૂકી ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરી, ગુરુ વંદના કરી વેલેન્ટાઈન ડે ની નવતર રીતે ઉજવણી કરાઈ હતી.
કોલેજના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ ગુરુબ્રહ્મા સ્લોક ગાઈ અને કોલેજના પ્રધ્યાપક શ્રી મંગરોલા સાહેબ, તેમજ તમામ પ્રાધ્યાપકોને ગુલાબના ફૂલ આપી અને આશીર્વાદ લીધા હતા તેમજ વિદ્યાર્થીઓએ એમ.આર. આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના સ્થાપક શ્રી રત્નસિંહજી મહીડાની પ્રતિમાને પુષ્પાંજલિ કરી વેલેન્ટાઈન ડે ની ઉજવણી કરી હતી. ઉપરાંત ગત વર્ષે આજના કાળા દિવસ રૂપ દેશના જવાનો પુલવામાં આતંકી હુમલામાં શાહિદ થયા હતા તેમને યાદ કરી કેન્ડલ માર્ચ કરી શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે જ્યારે લોકો પશ્ચિમી સંસ્કૃતિમાં ઘેરાયેલા છે ત્યારે રાજપીપળાની અમારી કોલેજ દ્વારા પોતાની ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરવાનો આ નવતર પ્રયોગ છે અને જે ખૂબ સફળ રહ્યો છે અમે અમારા ગુરુજનોને ગુલાબનું ફૂલ આપી આશીર્વાદ મેળવી આજે વેલેન્ટાઈન ડે ની ઉજવણી કરી છે. કોલેજના આચાર્ય શ્રી શૈલેન્દ્રસિંહ માંગરોલાએ જણાવ્યું હતું કે શિક્ષા સાથે સંસ્કારએ અમારું લક્ષ્ય છે. અંતરિયાળ જિલ્લામાં શિક્ષણની ચિનગારી જગાડનાર કોલેજના આદ્યસ્થાપક રત્નસિંહજી મહિડા સાહેબને પણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી આજે વેલેન્ટાઈન ડે ને અમારી કોલેજના વિદ્યાર્થીઓએ ગુરુવંદના દિવસ તરીકે ઉજવણી કરી હતી ઉપરાંત પોતાને પગભર કરનાર માતા પિતા અને વડીલોને નમન કરવા અમે વિદ્યાર્થીઓને અપીલ કરી છે અને પુલવામાં શહીદ થયેલ જવાનોને મીણબત્તી સળગાવી શ્રદ્ધાંજલિ આપી.
રાજપીપળા, આરીફ જી કુરેશી