પાટણ શહેરના ચાણસ્મા ડીસા રાજ્ય ધોરીમાર્ગ પર નવજીવન ચોકડી નજીક કરોડોના ખર્ચે બંધાનાર ફલાય ઓવરબ્રિજનું નાયબ મુખ્યમંત્રીના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું. આ ઉપરાંત પાટણ શહેરમાં ઘરવિહોણા લોકો માટે નગરપાલિકા દ્વારા સરકારની ગ્રાન્ટમાંથી નવીન બનાવાયેલ આશ્રયસ્થાન (શેલ્ટર હોમ)નું નિતીનભાઈ પટેલે લોકાર્પણ કર્યું. તેમજ પાટણમાં નવનિર્મિત તોલમાપ વિભાગની કચેરીનું પણ લોકાર્પણ કરાયું. આ કાર્યક્રમોનો મુખ્ય સમારોહ પાટણ માર્કેટયાર્ડમાં યોજાયો. જેમાં મહેસાણા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના નવ નિયુક્ત ચેરમેન વિનોદભાઈ પટેલનું નાયબ મુખ્યમંત્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યું. પાટણમાં એક ભાગમાં આવેલા હાંસાપુર ભૂગર્ભ ગટર પંપિંગ સ્ટેશનનું કામ શરૂ કરવાના કાર્યને નિતીનભાઈ પટેલ દ્વારા આગળ ધપાવવામાં આવ્યુ. આ પ્રસંગે ૧૦૦૧ કિલો ખજૂર, ૩૫૦ કિલો ચીક્કી અને ૫૦૦ કિલો ફ્રૂટથી નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલનું સન્માન કરી આ ખાદ્યચીજો આંગણવાડીના બાળકો, દર્દીઓ અને શાળાના બાળકોને અર્પણ કરાઈ હતી.
આ પ્રસંગે પદ્મશ્રી અને ઉદ્યોગપતિ કે.કે.પટેલ, પ્રદેશ ભાજપ મહામંત્રી કે.સી.પટેલ, પૂર્વ મંત્રી રણછોડભાઈ દેસાઈ, જિલ્લા પંચાયતના પ્રમુખ વિનુભાઈ પ્રજાપતિ, જિલ્લા ભાજપ પ્રમુખ મોહનભાઇ પટેલ, નગરપાલિકા પ્રમુખ મહેન્દ્ર પટેલ, રાજકીય પદાધિકારીઓ, સહકારી સંસ્થાઓના આગેવાનો, કાર્યકરો તેમજ મોટી સંખ્યામાં ખેડૂતો અને લોકો ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલની અધ્યક્ષતામાં પાટણ ખાતે પંચવિધ કાર્યક્રમોના લોકાર્પણ, ભૂમિપૂજનના કાર્યક્રમો યોજાયા હતા.
Advertisement