આજના મોંઘવારી અને મંદીના સમય વચ્ચે જીવન ગુજરાન ચલાવવા માટે અંકલેશ્વર શહેર ગ્રામીણ વિસ્તારની મહિલાઓ ઘર કામની સાથે સાથે જાતે સાડી ભરવા સહિત અન્ય નાના-મોટા ગૃહ ઉદ્યોગ થકી રોજગારી મેળવી રહી છે. આજના સમયમાં મહિલાઓ પુરુષોની બરાબર ગણાય છે. દરેક ક્ષેત્રમાં મહિલાઓએ ઉત્તમ દેખાવ કરી પુરુષની બરાબરી કરી છે. વર્ષો પહેલા મહિલા અને પુરુષો વચ્ચે રહેલ ભેદભાવને આજના સમયમાં મહિલાઓએ દૂર કરી નાખી છે.ત્યારે આજના મોંઘવારીના સમયમાં અને મંદી વચ્ચે અંકલેશ્વર શહેરની ગ્રામીણ વિસ્તારની મહિલાઓ ઘરકામ સાથે ગૃહ ઉદ્યોગ ચલાવી રોજગારી મેળવી રહી છે. અંકલેશ્વરના સુરવાડી, જુના દીવા, બોરભાઠા સહિત અન્ય ગ્રામીણ વિસ્તારોમાં ઘર ગૃહિણીઓ ઘર કામની સાથે સાથે સાડી ભરવા સહિત ખાદ્ય ચીજ વસ્તુ બનાવવા ઉપરાંત વેચવા જેવા અન્ય ગૃહ ઉદ્યોગ થકી અંકલેશ્વરની મહિલાઓ રોજગારી સાથે પોતાના ઘરના મોભીને પણ મદદરૂપ થઈ રહી છે. ગૃહ ઉદ્યોગ સાથે સંકળાયેલા મહિલાએ મીડિયાની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે આજના સમયમાં બેરોજગારી અને મોંઘવારી વચ્ચે મંદીના મારે મધ્યમ વર્ગના બજેટને ખોરવી નાખ્યું છે ત્યારે ભારત દેશમાં પણ હવે ઘર ગુજરાન ચલાવવા માટે વિદેશની જેમ ઘરના તમામ સક્ષમ સભ્યોને નોકરી કરી બજેટ જાળવવા ઉપરાંત ઘર ગુજરાન ચલાવવા માટે મદદરૂપ થવું જરૂરી બન્યું છે. વધુમાં તેઓ વધતી જતી બેરોજગારી અને મોંઘવારીને ગંભીર સમસ્યા ગણાવી આ અંગે સરકારનું ધ્યાન દોરવા પર ભાર મૂક્યો હતો સાથે જ તેઓ ઉમેરે છે કે વધતી જતી શાળામાં વિદ્યાર્થીઓની ફી અને ઘર વપરાશમાં લેવાતી ચીજ વસ્તુઓમાં ભાવ વધારો થકી ફકત ઘરના મોભીની આવકથી કરકસર ભર્યું જીવન ગુજારવું પડે છે ત્યારે તેઓ પણ પોતાના અંદર રહેલ પ્રતિભાવો સંદર્ભે ઘરકામ સાથે ગૃહ ઉદ્યોગ થકી મદદરૂપ બની બાળકોના અને ઘરના સભ્યોના ઉજ્જવળ ભવિષ્ય માટે પરિશ્રમ કરે છે. અંકલેશ્વર શહેરના ઉપરકોટ ગ્રામીણ વિસ્તારની ગૃહિણીઓ સુરત ખાતેથી આવતી સાડીઓમાં ભરતકામ સાથે ગુથણ કામ કરી એક સાડી દીઠ 20 થી 25 રૂપિયા મેળવી મહિને બે થી ત્રણ હજાર ઉપરાંતની રોજગારી મેળવી રહ્યા છે.સહિત કેટલીક મહિલાઓ પાપડ બનાવવા, ખાદ્ય ચીજવસ્તુઓ બનાવવા અને વેચીને ઘર કામની સાથે સાથે ગૃહ ઉદ્યોગ ચલાવી રોજગારી મેળવી રહ્યા છે. ત્યારે જો મહિલાઓને પણ રોજગારી માટે તક મળે તો તેઓ પણ ઉત્તમ દેખાવ કરી શકે છે. તે આ ગૃહ ઉદ્યોગ થકી રોજગારી મેળવતી ઘર ગૃહિણીઓએ સાબિત કરી બતાવ્યું છે.
અંકલેશ્વર શહેર ગ્રામીણ વિસ્તારની મહિલાઓ ઘર કામની સાથે સાથે જાતે સાડી ભરવા સહિત અન્ય નાના-મોટા ગૃહ ઉદ્યોગ થકી રોજગારી મેળવી રહી છે.
Advertisement