સુરતના કુંભારિયા ચાર રસ્તા પાસે રઘુવીર સિલિયમ માર્કેટમાં મંગળવારે મળસ્કે 3 વાગ્યાની આસપાસ આગ લાગી હતી. ફાયર બ્રિગેડને કોલ કરાતાં ફાયર બિગ્રેડની 70 થી વધુ ગાડીઓ સાથે 500 થી વધુ કર્મચારીઓ ધટના સ્થળે દોડી ગયા હતાં. બે કરોડ લીટર પાણી વપરાયા બાદ પાલિકા કમિશનર બંછાનિધી પાનીના જણાવ્યા પ્રમાણે રાત્રે સાડા બાર વાગ્યે આગ પર કાબૂ મેળવાયો હતો. કુંભારિયા ચાર રસ્તા પાસે રઘુવીર સિલિયમ માર્કેટમાં મંગળવારે મળસ્કે 3 વાગ્યાની આસપાસ લાગેલી આગ 29 કલાકે પણ રહી રહીને આગ લાગી રહી છે. ફાયર વિભાગ દ્વારા કુલિંગની કામગીરી ચાલી રહી છે. દરમિયાન રહી રહીને પણ માર્કેટમાં આગ લાગી રહી છે. ઈમારતની અંદરનું તાપમાન વધુ હોવાના કારણે ફાયરના જવાનોને ઈમારતમાં પ્રવેશી આગ પર કાબૂ મેળવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આજે સવારે રઘુવીર માર્કેટ ખાતે પહોંચેલા પાલિકા કમિશનર બંછાનિધી પાનીએ જણાવ્યું હતું કે, આગ પર સાડા બાર વાગ્યે કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. જોકે, સિન્થેટીક કાપડના કારણે રહી રહીને આગ લાગી રહી છે. હાલ ફાયરના જવાનો સ્ટેન્ડ બાય છે અને કુલિંગની કામગીરી કરી રહ્યા છે. આજે એક બેઠક પણ બોલાવવામાં આવી છે. જેમાં માર્કેટના એલિવેશન અને ફાયર સેફ્ટીને લઈને ચર્ચા કરવામાં આવશે. ફાયરના જવાનોએ જણાવ્યું હતું કે, આગના કારણે ઈમારતના સ્ટ્રક્ચરને નુકસાન થયું છે અને આ આગના કારણે ઈમારતનું તાપમાન પણ વધી ગયું છે. હાલ પણ આગના લપકારાના કારણે ફાયરના જવાનો ઈમારતની અંદર પ્રવેશી જીવના જોખમે કુલિંગની કામગીરી કરી રહ્યા છે. આ કામગીરી અંદાજે હજુ સાંજ સુધી ચાલશે. 750 ડિગ્રી તાપમાન હોય તો એલ્યુમિનિયમ પિગળવા લાગે છે. આ બિલ્ડિંગના એલિવેશનમાં મોટાભાગે એલ્યુમિનિયમ હોવાથી કલાકોની ગરમી બાદ એલ્યુમિનિયમ ટપકવા લાગ્યું હતું. જોકે, 650 ડિગ્રી તાપમાન વચ્ચે ફાયરની દિલધડક કામગીરી ચાલી રહી છે. રઘુવીર માર્કેટમાં આગની ધટનાને 30 કલાકથી વધુ સમય થયા છતાં આગ પર કાબૂ મેળવી નહીં શકાતાં વેપારીઓને કરોડો રૂપિયાનું નુકશાન થયું છે. એક અંદાજ પ્રમાણે 300 કરોડનો માલ ખાક થઈ ગયો હોવાનું અનુમાન છે. બિલ્ડિંગની પ્રથમ વીંગ ભસ્મીભૂત થઈ છે, ત્યારે પાલિકાએ બિલ્ડીંગની બીયુસી રદ કરી છે, તેમજ આગ બુઝાયા બાદ બિલ્ડીંગને સીલ કરવા પણ કામગીરી માટે સૂચન આપી દીધા છે.
સુરતનાં રઘુવીર સિલિયમ માર્કેટમાં લાગેલી આગ પર ફાયર કર્મચારી દ્વારા ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવાયો.
Advertisement