ઝધડિયા નજીકના વંઠેવાડ અને રાણીપુરા નજીકથી માટી ખોદતાં વાહનો જપ્ત કર્યા. ગેરકાયદેસર માટી ખોદતાં બે જેસીબી અને ત્રણ ટ્રકો જપ્ત કરી. ઝધડિયા નજીકના વંઠેવાડ ગામેથી તથા રાણીપુરા ગામેથી ઝધડિયા મામલતદાર અને ભૂસ્તરવિભાગ દ્વારા ગેરકાયદેસર રીતે માટી ખોદનારા સામે તવાઈ બોલાવી છે. ખાનગી માલિકી અને સરકારી જમીનમાંથી માટી ખોદતાં ત્રણ ટ્રકો અને બે જીસીબી તંત્ર દ્વારા જપ્ત કરવામાં આવ્યા છે. ઝધડિયા પંથકમાં ગેરકાયદેસર રીતે ખાનગી તેમજ સરકારી પડતર, ગૌચર માંથી માટીનું મોટા પાયે ખોદકામ કરી ખાનગી ઉપયોગ માટે લઇ જવાઈ રહ્યુ છે. ખેતરો સમતલ કરી આપવાના બહાના હેઠળ માટી ચોરનારાઓ ખેડૂતોની અજ્ઞાનતાનો લાભ ઉઠાવી માટી ચોરીની અનેકો ધટનાઓ ઝધડિયા પંથકમાં બની રહી છે. રોયલ્ટી ચોરી કરી ઓવરલોડ માટી વહન કરી સરકારની તિજોરી પર મોટો પંજો માટી ચોરો પાડી રહ્યા છે. ઝધડિયા મામલતદાર તેમજ ભૂસ્તર વિભાગ દ્વારા ઝધડિયા નજીકના વંઠેવાડ ગામેથી તેમજ રાણીપુરા ખાંડસરીના પાછળના વિસ્તારની જમીનમાંથી ગેરકાયદેસર માટી ખોદી, રોયલ્ટીની ચોરી કરનારા સામે કાર્યવાહી હાથ ધરી છે. તંત્ર દ્વારા બંને સ્થળોએથી ત્રણ ટ્રકો અને બે જેસીબી જપ્ત કરી તેમના માલિકો સામે કાર્યવાહી હાથ ધરી છે. બંને સ્થળોએથી પોતાના અંગત સ્વાર્થ માટે મશીનરી દ્વારા માટી ખોદકામ કરી, રોયલ્ટી ચોરી કરી માટી વહન કરવામાં આવતું હતું. ઝધડિયા મામલતદાર અને ભૂસ્તર વિભાગ દ્વારા જપ્ત કરેલ વાહનો ઝધડિયા પોલીસને સોંપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ઝધડિયા પંથકમાં ગેરકાયદેસર માટી ખોદનારા સામે મામલતદાર અને ભૂસ્તર વિભાગે તવાઈ બોલાવી.
Advertisement