સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે આવેલ લીમડી બાર ફળિયાના સ્થાનિક આદિવાસીઓ વર્ષોથી બાપદાદાની જમીનમાં કાચું ઝૂંપડું બનાવી ત્યાં ચાહ નાસ્તો સહીત પાન પડીકી વેચી ગુજરાન ચલાવે છે. પરંતુ સ્થાનિક તંત્ર દ્વારા પોલીસ દ્વારા વારંવાર હેરાન કરવામાં આવે છે. બે દિવસ પહેલા પાર્કિંગ બાબતે કેવડિયા ટ્રાફિકની ટીમે સ્થાનિકોને હટાવવા બાબતે ધમકીઓ આપી હતી જેમાં સ્થાનિકોનો આક્ષેપ છે કે કેવડિયાના પોલીસ અધિકારી પી.ટી. ચૌધરી દ્વારા સ્થાનિકો,યુવાનો અને મહિલાઓ ઉપર મારપીટ કરવામાં આવી હતી અને ધાકધમકી પણ આપવામાં આવી હતી આ બાબતે પી.ટી.ચૌધરી ઉપર એટ્રોસીટી એકટ અને પોલિસના હોદ્દાનો દુરુપયોગ કરવાનો ગુનો દાખલ કરવા જિલ્લા પોલીસ વડા હિમકર સિંહને રજૂઆત કરાઈ હતી. પોલીસની દમનગીરી સામે બે દિવસથી દુકાનો સ્વયંભૂ બંધ કરી સ્થાનિકો વિરોધ કરી રહ્યા છે. મોટી સંખ્યામાં મહિલાઓ અને યુવાનો હાથમાં બેનરો લઇ નર્મદા પોલીસ શરમ કરો આદિવાસીઓને મારવાનો હક્ક કોણે આપ્યો ના સૂત્રો સાથે વિરોધ પ્રદર્શન કર્યો હતો.
આ તમામ મહિલાઓને જિલ્લા પોલીસ વડા હિમકર સિંહે સાંભળી જરૂરી તાપસ કરવાની ખાત્રી અપાતા મહિલાઓ વિશ્વાસ સાથે પરત ફરી હતી.નર્મદા જિલ્લા પોલીસ વડા સાથે મુખ્યમંત્રી, ગૃહમંત્રી,અધ્યક્ષ- મહિલા આયોગ ગુજરાત રાજ્ય,ગુજરાતના તમામ આદિવાસી ધારાસભ્યો- સંસદસભ્યો, અધ્યક્ષ-અનુ સૂચિત જનજાતિ આયોગ ભારત સરકાર અને આદિ જાતિ સલાહકાર સમિતિના સદસ્યો- ગુજરાત રાજ્યને પણ લેખિત રજૂઆત કરી આ બાબતે ન્યાયની માંગણી કરી છે.
આ બાબતે આદિવાસી આગેવાન ડૉ.પ્રફુલ પટેલે જણાવ્યું હતું કે તંત્ર આદિવાસીઓને હટાવવા માંગે છે પોલીસને આગળ કરે છે પોલીસ આદિવાસીઓ પર દમન કરે છે આ ક્યાં સુધી ચાલશે. અમે મૂળ નિવાસી છે વર્ષોથી અહીંયા રહીયે છે જે વિકાસ કરવો હતો એ કરી દીધો હવે બંધ કરો અમને અમારી રોજગારી સાથે જીવવા દો અમારી જમીન અમારી પાસે રહેવા દો તેવી માંગ કરી છે. જયારે લીમડીના વર્ષાબેન તડવીએ જણાવ્યું હતું કે ગત 14 જાન્યુઆરી 2020 ના રોજ અમારાં ગામ લીમડી બાર ફળીયામાં પોલિસ અધિકારી પી.ટી. ચૌધરી પોતાનાં પોલિસ સ્ટાફ સાથે આવ્યા અને મહિલાઓને કોઈ પણ વાંક ગુના વગર ગમે તેમ અપશબ્દો બોલવા લાગ્યા હતાં અને ગામ લોકોને સીધા માર મારવા લાગ્યા હતાં અમો અનુસુચિત જનજાતિના આદિવાસી હોય જેથી આ પોલિસ અધિકારી અમારી સાથે અપમાનજનક તુચ્છ અને નિમ્ન કક્ષાએ ગુસ્સેથી વાત કરતા હતા.તેમજ ધમકી પણ આપતા હતા.અને મહિલાઓને અપમાનિત કરતા હોય અનુસુચિત જન જાતિના લોકો સાથે જાતિગત ભેદભાવ રાખી ગાળાગાળી કરવા અંગેનો ગુન્હો નોંધી કાયદેસરની કાનુની કાર્યવાહી કરવા માંગ કરી છે. આ બાબતે કેવડીયાના પી.આઈ પી.ટી.ચૌધરીએ જણાવ્યું હતું કે અમારે તો નર્મદા કલેકટર અને જિલ્લા પોલીસ વડાના આદેશ મુજબ કાર્ય કરવું પડે.અમે તો મંદિર પાસે ગેરકાયદેસર પાર્કિંગ કરેલી ગાડીઓ હટાવવાનું કામ કરતા હતા.સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક લારી-ગલ્લા તથા પથારા હટાવી લેવાની સૂચના અગાઉ પણ અપાઈ હતી.આ તમામ આરોપોમાં કોઈ તથ્ય નથી.
રાજપીપળા, આરીફ જી કુરેશી