નર્મદા જિલ્લામાં “બેટી બચાવો બેટી પઢાવો” ની ખાસ ઝુંબેશમાં તમામ સ્ટેક હોલ્ડર્સ, વિવિધ સમાજના અગ્રણીઓ, સ્થાનિક અધિકારીઓ / પદાધિકારીઓ / આગેવાનોને જોડીને વ્યાપક સામાજિક જાગૃત્તિ થકી કામગીરી સાચા અર્થમાં સાર્થક કરી વધુ પરિણામલક્ષી બની રહે તે જોવા જિલ્લા કલેકટર મનોજ કોઠારીની હિમાયત પોકસો એકટ, ગુડ ટચ- બેડ ટચ અંગે જિલ્લાના ૨૦ જેટલાં શિક્ષકોને માસ્ટર ટ્રેઇનર્સની તાલીમ થકી જિલ્લાની તમામ પ્રાથમિક-માધ્યમિક-ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં અપાશે. જાણકારી રાજપીપળા, નર્મદા જિલ્લા કલેકટર મનોજ કોઠારીએ નર્મદા જિલ્લામાં પ્રવર્તમાન દિકરીના જન્મનો પ્રમાણદર જળવાઇ રહે તે માટે અને આ પ્રમાણદર નીચો ન જાય તે માટે ધો.-૧૦ અને ૧૨ પછીનો ડ્રોપ આઉટ રેશીયો ઘટાડવા, દિકરીની વયે થતાં લગ્નો અટકાવવા, જે તે સમાજની જુનવાણી માન્યતાઓ દૂર કરવા જિલ્લાના તમામ તાલુકાઓમાં અને ખાસ કરીને કોઇ ચોકકસ પોકેટ વિસ્તારમાં સરકારી, સામાજિક-સ્વૈચ્છિક સંસ્થાઓના સહયોગથી વિશેષ જાગૃત્તિ ઝુંબેશ હાથ ધરીને “બેટી બચાવો બેટી પઢાવો” યોજનાને સાચા અર્થમાં સાર્થક કરવા સૌના સહિયારા પ્રયાસો ઉપર ખાસ ભાર મૂકયો હતો.જિલ્લા વિકાસ અધિકારી ડૉ. જીન્સી વિલીયમ, નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક સી.એન.ચૌધરી, મહિલા અને બાળ વિકાસ અધિકારી હસીનાબેન મન્સુરી, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી ચેતન પરમાર, દહેજ પ્રતિબંધક અધિકારી પ્રિતેશ વસાવા, ઇન્ચાર્જ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર શ્રીમતી હિમાંગીનીબેન ચૌધરી, ઇનરેકા સંસ્થાના પ્રમુખ ડૉ.વિનોદ કૌશિક, સેવા રૂરલ સંસ્થાના રંજનબેન અટોદરીયા, શિક્ષણ-આરોગ્ય સહિત સંબંધિત વિભાગના અમલીકરણ અધિકારીઓની ઉપસ્થિતિમાં આજે રાજપીપળા કલેકટરાલય ખાતે યોજાયેલી “બેટી બચાવો બેટી પઢાવો” યોજનાની જિલ્લા ટ્રાસ્ક ફોર્સ કમિટિની બેઠકને અધ્યક્ષ સ્થાનેથી સંબોધતા જિલ્લા કલેકટર મનોજ કોઠારીએ નર્મદા જિલ્લામાં ઉકત ઝુંબેશમાં તમામ સ્ટેક હોલ્ડર્સ, વિવિધ સમાજના અગ્રણીઓ, સ્થાનિક અધિકારીઓ / પદાધિકારીઓ/આગેવાનોને જોડીને વ્યાપક સામાજિક જાગૃત્તિ થકી આ દિશામાં કામગીરી વધુ પરિણામલક્ષી બની રહે તે માટે તેમણે ખાસ હિમાયત કરી હતી.
જિલ્લા કલેકટર મનોજ કોઠારીએ વધુમાં ઉમેર્યુ હતું કે, સૌના સહિયારા પ્રયાસો થકી આ પ્રકારની વિશેષ ઝુંબેશને લીધે દિકરીઓના શિક્ષણનો ડ્રોપ આઉટ રેશીયો ઘટવાથી નાની વયે થતાં લગ્નો અટકશે અને જો માતા ભણેલી ગણેલી હશે તો ચોકકસ સામાજિક પરિવર્તન પણ જોવા મળશે. નર્મદા જિલ્લાના તમામ તાલુકાઓમાં પ્રાથમિક શિક્ષણ વિભાગમાં-૧૦ અને માધ્યમિક-ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ વિભાગમાં-૧૦ સહિત કુલ-૨૦ જેટલા શિક્ષકોને તાલુકા કક્ષાએ પોકસો એકટની જોગવાઇઓ અને “ગુડ ટચ-બેડ ટચ” ની જરૂરી તાલીમ દ્વારા માસ્ટર ટ્રેઇનર્સ તૈયાર કરીને જિલ્લાની તમામ શાળાઓને તાલીમ હેઠળ આવરી લેવાશે, જેથી આ અંગેના નિયમો-જાણકારી જે તે શાળાઓમાં પહોંચાડવાથી શાળાની કિશોરીઓ તેનાથી અવગત થશે. જિલ્લામાં PC & PNDT ACT ની જોગવાઇઓ હેઠળ કોઇપણ સંજોગોમાં ગર્ભ પરિક્ષણ ન થાય તે માટેની જરૂરી કાર્યવાહી સાથે તેના સતત મોનીટરીંગ થાય તે જોવાની પણ કોઠારીએ અમલીકરણ અધિકારીઓને સૂચના આપી હતી.બેઠકમાં ચર્ચા થયા મુજબ તા.૨૪ મી જાન્યુઆરી, ૨૦૨૦ ના રોજ રાજપીપળામાં જિલ્લાકક્ષાએ નેશનલ ગર્લ્સ ચાઇલ્ડ-ડે ની ઉજવણી કરાશે, જેમાં વિવિધ ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરનાર દિકરીઓનું તેમજ એકથી વધુ દિકરીઓ હોય તેવી માતાઓનું સન્માન કરાશે. દિકરીઓના જન્મને પ્રોત્સાહન આપવા દિકરી વધામણા કિટસ વિતરણ તેમજ વ્હાલી દિકરી યોજના અંતર્ગત જરૂરી પ્રોત્સાહન પુરૂં પાડવાની કામગીરી સહિત જિલ્લામાં ઉકત ઝુંબેશ અને તેના વ્યાપક પ્રચાર-પ્રસાર સહિતના તમામ કાર્યક્રમોના માઇક્રો પ્લાનીંગ સાથે તેના સઘન મોનીટરીંગની વ્યવસ્થા અમલી બનાવવાનું આયોજન ઘડી કાઢવા જિલ્લા કલેકટર મનોજ કોઠારીએ અમલીકરણ અધિકારીઓને ખાસ સૂચના આપી હતી.આ બેઠકમાં ઉપસ્થિત ઇનરેગાના ડૉ. વિનોદ કૌશિકે જિલ્લાના કેટલાંક વિસ્તારમાં સોંગાડીયા ગૃપ દ્વારા સ્થાનિક કક્ષાએ આ ઝુંબેશમાં જરૂરી સહકાર મેળવવાનું સૂચન કર્યુ હતું. સેવા રૂરલ સંસ્થાના રંજનબેન અટોદરીયાએ પણ જિલ્લામાં ઉકત ઝુંબેશને સફળ બનાવવા રચનાત્મક સૂચનો કર્યા હતા.
આ બેઠકમાં શિક્ષણ, આરોગ્ય તેમજ મહિલા અને બાળ અધિકારીની કચેરી, ICDS દ્વારા નવેમ્બર-૨૦૧૯ અંતિમ હાથ ધરાયેલી કામગીરી અંગેની વિસ્તૃત સમીક્ષા કરાઇ હતી અને આ કામગીરી વધુ સઘન બનાવવા માટે જિલ્લા કલેકટર મનોજ કોઠારીએ પણ રચનાત્મક સૂચનો સાથે જરૂરી માર્ગદર્શન પૂરું પાડયું હતું.
રાજપીપળા, આરીફ જી કુરેશી