અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશનના ઉપક્રમે આજથી પ્રારંભ પામેલ એ.આઇ.એ. એક્સ્પોનું વિધિવત ઉદ્ધાટન કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ કર્યું હતું. અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઅલ એસોસીએશન દ્વારા આયોજિત ત્રિદિવસીય એ.આઇ.એ. એકસપો-2020 નો આજથી પ્રારંભ થયો હતો. અત્રેના આનંદપુરા સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ સંકુલ ખાતે કેન્દ્રના શિપિંગ ઇન્ડસ્ટ્રીઝ મંત્રી મનસુખ માંડવીયાએ ઇન્ડસ્ટ્રીયલ એક્ઝિબિશનનું રીબીન કાપીને ઉદ્ધાટન કર્યું હતું. આ પ્રસંગે રાજ્યના સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલ, ભરૂચના ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ, એ.આઇ.એ.ના પ્રમુખ મહેશભાઈ પટેલ એક્સ્પોના ચેરમેન પ્રવીણ તેરૈયા, ઉદ્યોગ મંડળના અગ્રણીઓ એન.કે. નાવડિયા, અતુલ બુચ, રમેશ ગાબાણી, જયેશ પટેલ, જશું ચૌધરી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા પોતાના પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે કેન્દ્રની મોદી સરકાર ખેતીઉદ્યોગને પ્રાથમિકતા આપે છે પરંતુ સાથે સાથે ઉદ્યોગો પરત્વે મિત્રતા સભર અભિગમ દર્શાવી રહી છે. કોઈપણ રાષ્ટ્રના વિકાસમાં ઉદ્યોગોનું આર્થિક યોગદાન નોંધપાત્ર બની રહેતું હોય છે. તેઓએ અંકલેશ્વરના ઉદ્યોગોનો ક્રિટીકલ ઝોન અંગેના પ્રશ્નમાં પોતે અંગત રીતે દરમિયાનગીરી કરી નિકાલ આવે તેવા ધનિષ્ઠ પ્રયાસો કરશે તેવી બાંહેધરી આપી હતી. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા એક્ઝિબિશનમાં વિવિધ સ્ટોલની પણ મુલાકાત લીધી હતી અને આ એક્ઝિબિશન ઉદ્યોગ જગત માટે ગ્રોથ ઓરિએન્ટેડ બની રહેશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.
અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશન દ્વારા આયોજિત ત્રિદિવસીય એ.આઇ.એ. એકસપો-2020 નો આજથી પ્રારંભ.
Advertisement