સામાન્ય રીતે લગ્ન થયા પછી જે મહિલાઓ નોકરી નથી કરતી તેઓ ઘરકામમાંથી બહાર નથી નીકળતી. પરંતુ ભરૂચની એક ગૃહિણીએ આવી મહિલાઓ માટે એક નવો રસ્તો બતાવ્યો છે. જેમાં સામાન્ય રીતે ઘરકામ કરતી ગૃહિણીઓ પણ ભાગ લઈ ફેશન ક્ષેત્રે પોતાનું નામ રોશન કરી શકે છે. ભરૂચના કોલેજ રોડ વિસ્તારમાં રહેતી ધર્મિષ્ઠાબા ગોહિલે બી.કોમ સુધીનો અભ્યાસ કર્યો છે. એક દીકરીની જવાબદારી હોવા છતાં વિવિધ સ્તરની બ્યુટિ કોન્ટેસ્ટમાં ભાગ લઈ નેશનલ કક્ષાએ મિસિસ બોડી બ્યૂટીફૂલનો ખિતાબ પોતાના નામે કર્યો હતો.
નેશનલ કક્ષાએ યોજાયેલી કોન્ટેસ્ટમાં ટોપ-5 કન્ટેસ્ટન્ટમાં પણ સામેલ થઈ હતી. દેશભરમાં એક તરફ મહિલા સશક્તિકરણની વાતો થઈ રહી છે. તો મહિલાઓને યોગ્ય પ્રોત્સાહન મળી રહે તે માટે અનેક પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે. પરંતુ ઘણી વખત મહિલાઓ જાતે જ પોતાનું ક્ષેત્ર નક્કી કરી તેમાં આગળ વધે તો સફળતા ચોક્કસ તેના હાથમાં હોય છે. માત્ર મોભાદાર નોકરી કરવી અને માન સન્માન મેળવવું એવું જરૂરી નથી હોતું પરંતુ પોતાનામાં રહેલા ટેલેન્ટને યોગ્ય પ્લેટફોર્મ આપી ધણી વખત ગૃહિણીઓ તેમનાં બાળકો માટે આદર્શ બનતી હોય છે.ભરૂચની ધર્મિષ્ઠાબા ગોહિલનો સોશિયલ મીડિયા થકી ગુજરાતમાં બ્યુટી કોન્ટેસ્ટનું આયોજન કરતા રાજકોટનાં નિશા ચાવડા સાથે પરિચય થયો હતો. બાદમાં તેમના માર્ગદર્શનથી અનેક વખત રાજ્યભરમાં વિવિધ કોન્ટેસ્ટમાં ભાગ લીધો હતો. બાદમાં નેશનલ કક્ષાએ વિઝિઓનર ગ્લોબલ મિસિસ બ્યુટી કોન્ટેસ્ટ ફરિદાબાદ ખાતે યોજાતાં તેમાં પાર્ટીસિપેટ કર્યું હતું. જેમાં દેશભરમાંથી 32 પ્રતિસ્પર્ધીઓએ ભાગ લીધો હતો. જેમાં 4 દિવસ સુધી પ્રશ્નોત્તરી, ટેલેન્ટ અને ટ્રેડિશનલ સહિત વિવિધ તબક્કામાં યોજાયેલી સ્પર્ધામાં ધર્મિષ્ઠાબા ગોહિલ ટોપ-5માં સામેલ થઈ હતી. જેને મિસિસ બોડી બ્યૂટીફૂલનો ખિતાબ પ્રાપ્ત થયો હતો. આ અંગે ધર્મિષ્ઠા ગોહિલે જણાવ્યું હતું કે, ઘરમાં બેસીને પણ ગૃહિણીઓ આગળ વધી શકે છે. પોતાનામાં રહેલા હુનરને યોગ્ય સ્તરે પ્લેસમેન્ટ આપવામાં આવે તો સફળતા ચોક્કસ મળે છે.
ભરૂચની ધર્મિષ્ઠાબા ગોહિલને મિસિસ બોડી બ્યૂટીફૂલનો ખિતાબ મળ્યો, 32 માંથી ટોપ -5 ફાઈનલીસ્ટમાં પહોંચી ભરૂચનું ગૌરવ વધાર્યું.
Advertisement