નેત્રંગ તાલુકામાં ચાલતી પ્રાથમિક શાળાઓનાં મધ્યન ભોજન વિભાગનાં રસોડાઓમાં 15 દિવસનાં સમયગાળામાં બે બનાવો બનતા એક બનાવમાં રસોઈયાબાઈ ગંભીર રીતે દાઝી ગઈ છે. જયારે બીજા બનાવમાં રસોયાબાઈ સહિત હેલ્પરબાઈનો આબાદ બચાવ થયો છે. તો બીજી તરફ મધ્યન ભોજન વિભાગમાં કામ કરતાં રસોઈયાબાઈઓ સહિત કુકર ફાટવાનાં બનાવોમાં ખરાબ ચણાની દાળ આવતી હોવાની રાવની સાથે તમામમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. નેત્રંગ તાલુકાનાં મૌજા ગામનાં હાથાકુંન ફળિયામાં આવેલ પ્રાથમિક શાળામાં ગરીબ વિદ્યાર્થીઓ માટે બપોરનાં સમયે ભોજન આપવામાં આવે છે. જેમાં તા.20 મી ડિસેમ્બરનાં રોજ મધ્યન ભોજન વિભાગનાં રસોઈયાબાઈ પાર્વતીબેન કાલીદાસભાઇ વસાવા બાળકો માટે ભોજન બનાવવા માટે ચણાની દાળ કુકરમાં મૂકી હતી, જે કોઈ કારણોસર કુકર ફાટતાં પાર્વતીબેન કાલીદાસભાઈ વસાવાને મોઢાનાં ભાગે ગંભીર ઇજાઓ થવા પામી હતી. તેમજ કુકરનું ઢાંકણ વાગતા તેઓના દાંત પડી ગયા છે. ગંભીર હાલતમાં દવાખાનામાં દાખલ કરવામાં આવ્યા હતા. હાલમાં પણ તેઓના મોઢાનાં ભાગે સોજા જોવા મળે છે. જવાબદાર અધિકારીઓએ કે તંત્ર દ્વારા આ બાઈના કોઈપણ જાતનાં ખબર અંતર પુછવામાં આવ્યા નથી નું ચર્ચાઇ રહ્યું છે. બીજા બનાવમાં નેત્રંગ ટાઉનમાં આવેલ મુખ્ય પ્રાથમિક કન્યા શાળા વિભાગનાં મધ્યન ભોજન યોજનાનાં રસોડા વિભાગમાં આજે 3 જાન્યુયારીનાં રોજ રસોઈયાબાઇ લક્ષ્મીબેન શનાભાઇ વસાવાએ બાળકોનાં ભોજનની તૈયારી રૂપે ચણાની દાળ કુકરમાં બાફવા માટે મૂકી હતી ત્યારે કુકરનું ફાટતાં કુકરનું ઢાંકણ ઉછળીને દીવાલ સાથે અથડાયું હતું અને વાકું વળી ગયું હતું. હોલની સગડી પણ તૂટી જવા પામી હતી. ચણાની દાળનાં લોચે લોચા દીવાલ પર લાગી ગયા.
સદનસીબે રસોઈયાબાઈ લક્ષ્મીબેન વસાવાનાં બરડાના ભાગે ગરમ ગરમ દાળ લાગી હતી. પરંતુ સામાન્ય દાઝી ગયા હતા. જયારે તેઓની સાથે હેલ્પરબાઈ તરીકે કામ કરી રહેલ રંજનબેન લક્ષ્મણભાઈ વસાવાનો આબાદ બચાવ થયો હતો. નેત્રંગ ખાતેની મુખ્ય પ્રાથમિક કન્યા શાળાના રસોડા વિભાગમાં 1 વર્ષ પહેલા પણ કુકર ફાટવાનો બનાવ બનવા પામ્યો હતો. ત્યારે પણ રસોઈયાબાઈ લક્ષ્મીબેનનો બચાવ થયો હતો. તાલુકાની બે પ્રાથમિક શાળાઓનાં મધ્યન ભોજન વિભાગમાં કુકર ફાટવાના બનાવો બાબતે ચર્ચાઈ રહ્યું છે કે ચણાની દાળ ખરાબ આવતી હોવાનાં કારણે કુકર ફાટવાના બનાવો બની રહ્યા હોવાનું રસોઈયાબાઈમાં ચર્ચાઇ રહ્યું છે જે એક તપાસનો વિષય છે. બનાવને લઈને નેત્રંગ મામલતદાર કચેરીનો સંપર્ક બપોરનાં 1 વાગ્યે કરવામાં આવતા મામલતદાર સહિતનો સ્ટાફ સેવા સેતુ કાર્યક્રમમાં હોઈ મધ્યન ભોજન વિભાગમાં તપાસ કરતાં જાણવા મળેલ છે કે હાથાકુંન પ્રાથમિક શાળામાં કુકર ફાટવાના બનાવને લઈને આજદિન સુધી કોઈ રિપોર્ટ આવ્યો નથી. જયારે આજે બનેલા બનાવમાં એક શિક્ષકે ફોન દ્વારા માહિતી આપી હોવાનું જણાવ્યુ હતું.
નેત્રંગ : 15 દિવસનાં સમયગાળામાં નેત્રંગ તાલુકાની બે પ્રાથમિક શાળાઓનાં મધ્યન ભોજન રસોડામાં કુકર ફાટવાના બે બનાવો બન્યા.
Advertisement