ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના નર્મદા કાંઠા વિસ્તારના ઓરપટાર ગામે હિંસક પશુએ ગત રાત્રી દરમિયાન ઘરના વાડામાં બાંધેલા બે પાલતુ પશુઓનું મારણ કરતા પશુપાલકોમાં ડર ફેલાયો છે.બે ત્રણ દિવસ અગાઉ રાણીપુરા અને અન્ય ગામે પણ હિંસક પ્રાણીએ આંતક મચાવી પાલતુ પશુઓને મોતને ઘાટ ઉતાર્યા હતા.દરમિયાન ગઇ રાત્રી દરમિયાન હિંસક પશુએ નર્મદા કાંઠાના ઓરપટાર ગામે પ્રતાપભાઇ રાઠોડ નામના ખેડૂતના ઘરના પાછળના વાડામાં બાંધેલા એક પાડો અને એક પાડી મળી કુલ બે પાલતુ પશુઓનું મારણ કરતા તાલુકાના ખેડૂતો અને પશુપાલકોમાં ફફડાટ ફેલાયો છે.આ ઘટનાની જાણ વનવિભાગને કરાતા વનવિભાગના અધિકારીઓએ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી.ઉલ્લેખનીય છે કે તાલુકાના વિવિધ વિસ્તારોમાં અવારનવાર દિપડો દેખાતો હોઇ આ પશુઓનું મારણ કરનાર હિંસક પ્રાણી દિપડો હશે એમ ખેડૂતઆલમમાંથી જાણવા મળ્યું છે.હવેતો દીપડો ગામમાં આવીને પાલતુ પશુઓનું મારણ કરી રહ્યો હોવાથી તાલુકામાં ખેતરોમાં એકલદોકલ જતા ખેડૂતો ડર અનુભવી રહ્યા છે.ખેડૂતોએ ઘણીવાર રાતે પણ ખેતરોમાં પાણી વાળવા જવું પડતું હોય છે.તાલુકાની સીમમાં દિપડાનો આખો પરિવાર ફરતો હોવાની ચર્ચાઓ પણ સંભળાય છે.દિપડા દ્વારા ઉપરાચાપરી પાલતુ પશુઓ પર હુમલા કરાતા હોવાથી તાલુકાની જનતા ચોંકી ઉઠી છે. આ હિંસક પ્રાણી કોઇવાર માણસો પર પણ જીવલેણ હુમલો કરી શકે તેવી પણ દહેશત રહેલી છે.ત્યારે વનવિભાગ દ્વારા વધુ સંખ્યામાં પીંજરા મુકીને દિપડાને પકડી લેવાય એવી માંગ પણ ઉઠવા પામી છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી