ભરુચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના પાણેથા ગામેથી ઘરના પાછળના ભાગે વાડામાં સંતાડી રાખેલ વિદેશી દારુની રૂ.૫૨૪૦૦ કિંમત ની નાની મોટી કુલ ૪૩૨ જેટલી બોટલો પોલીસની રેડ દરમિયાન પકડાવા પામી હતી.ઉમલ્લા પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત વિગતો મુજબ પોલીસને બાતમી મળી હતી કે પાણેથા ગામે એક માણસના ઘેર ગેરકાયદેસર વિદેશી દારુનો જથ્થો સંતાડી રાખેલ છે.ઉમલ્લા પીએસઆઇ પી.એન.વલવી અને પોલીસ સ્ટાફે પાણેથા ગામે મળેલ બાતમી મુજબના સ્થળે રેડ કરતા ઘરના પાછળના વાડામાં સંતાડી રાખેલ ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ પાણેથા ગામના અજય વસાવા નામના ઇસમના ઘરના વાડામાં સંતાડી રાખેલ ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ ૪૩૨ જેટલી નાની મોટી બોટલો જેની કિંમત રુ.૫૨૪૦૦ થાય છે,તે પોલીસની રેડ દરમિયાન મળી આવી હતી. આ ગેરકાયદેસર રાખેલ મુદ્દામાલ પોલીસે પકડી પાડ્યો હતો.ઉમલ્લા પોલીસે આ ગેરકાયદેસર અને વગર પાસ પરમીટનો વિદેશી દારૂ રાખવાના ગુના અંગે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.આ ઘટનાને પગલે તાલુકામાં ગેરકાયદેસર દારૂનો ધંધો કરતા બુટલેગરોમાં નાસભાગ મચી જવા પામી હતી.
ગુલામહુશેન ખત્રી રાજપારડી