નર્મદા જિલ્લામાં સરકાર દ્વારા કપાસની ટેકાના ભાવે ખરીદીનું સેન્ટર શરૂ કરવા ખેડૂતો/સરપંચોનું આવેદન.
રાજપીપળા નર્મદા જિલ્લામાં સરકાર દ્વારા કપાસની ટેકાના ભાવે ખરીદીનું સેન્ટર શરૂ કરવા ખેડૂતો/સરપંચોએ એક આવેદન જિલ્લા કલેક્ટર ની આપ્યું હતું.સાંસદ હિતાબેન રાઠવાને સંબોધીને આપેલા આ આવેદનમાં જણાવ્યું હતું કે નર્મદામાં કપાસ, તુવર,મગ,અડદ, મગફળી જેવા પાકોનું વાવેતર ૨૦૧૯ – ૨૦૨૦ના વર્ષમાં મોટા પ્રમાણમાં કરવામાં આવ્યું છે. હાલ આ સીઝનમાં ખાસ પાકો પૈકી કપાસની ખેતી નર્મદા જિલ્લામાં ખુબ મોટા પ્રમાણમાં થઈ છે. પરંતુ નર્મદા જિલ્લામાં કપાસની ખરીદી માટે ગરૂડેશ્વર,રાજપીપળા,તિલકવાડા,સાગબારા, ડેડીયાપાડા આમ પાંચ તાલુકાઓ પૈકી એક પણ તાલુકામાં ટેકાના ભાવે કપાસ ખરીદી માટે સેન્ટર આપવામાં આવ્યુ નથી.
નર્મદા જિલ્લો ૮૦% આદિવાસી વસ્તી ધરાવતો જિલ્લો છે. જિલ્લામાં મોટાભાગના દરેક સમાજના ખેડૂતો કપાસની ખેતી કરે છે. આ ખેડૂતો હાલ તેમનો કપાસ ખાનગી વેપારીઓને વેચાણ કરવા મજબુર બન્યા છે.જેના કારણે આ ખેડૂતો ખાનગી વેપારીને કપાસ માત્ર કવીન્ટલે ૪૦૦૦ થી ૪૨૦૦ રૂપિયામાં વેચાણ કરી ખૂલ્લે આમ લુંટાઈ ૨હ્યા છે.માટે આ બાબતે ત્વરીત કલેકટર નર્મદા તથા રાજય સરકાર દ્વારા તાત્કાલીક નિર્ણય લેવાય અને ખેડૂતોને થઈ રહેલા અન્યાયને ન્યાય મળે.માટે કપાસની ખરીદી નર્મદા જિલ્લામાં ત્વરીત શરૂ થાય તેવી કાર્યવાહી કરવા એક આવેદન પત્ર આપી મુખ્યમંત્રીને જાણ કરી નિર્ણય લેવા ખેડૂત સમાજ નર્મદા જિલ્લા તથા જિલ્લાના સરપંચો એ રજુઆત કરી છે.
રાજપીપળા, આરીફ જી કુરેશી