સમગ્ર દેશભરના વિવિધ રાજ્યોના એક હજાર જેટલા એનસીસી કેડેટ્સ તબક્કાવાર નર્મદા ટ્રેક પર ટ્રેકીંગ કરશે.ટ્રેકીંગ ઉપરાંત ઇતર પ્રવૃત્તિ દ્વારા સાહસિક ભાવના, ગુજરાતની આગવી સંસ્કૃતિ- રીતરિવાજ વગેરે ઉજાગર કરાશે.
રાજપીપલા એનસીસી એકેડેમી ખાતે આજે સરદાર પટેલ નર્મદા ટ્રેકના પ્રારંભનો કાર્યક્રમ યોજાયો.રાજપીપળા, નર્મદા જિલ્લાના રાજપીપલા એનસીસી લીડરશીપ એકેડમી- જીતનગર ખાતે આજે વડોદરાના બ્રિગેડીયર શ્રી અમિતના હસ્તે રાજપીપલાના NCC ઇન્ચાર્જ ઓફિસર કમાન્ડીંગ કર્નલ દેવન ભારદ્વાજ અને સુરતના કર્નલ સુધીર શર્મા અને એનસીસીના વિવિધ અધિકારીશ્રીઓ-કર્મચારીશ્રીઓ તેમજ એનસીસીના દેશભરના કેડેટ્સની વિશાળ ઉપસ્થિતિમાં ઝંડી ફરકાવી એનસીસીના રાષ્ટ્રીયકક્ષાના સરદાર પટેલ ટ્રેકનો પ્રારંભ કરાયો હતો.
સમગ્ર દેશના કુલ- ૧૭ એનસીસી ડાયરેક્ટોરેટ અને દેશના વિવિધ રાજ્યોમાંથી ૨૭ રાજ્યોમાંથી અંદાજે ૧ હજાર જેટલા એનસીસી કેડેટ્સ આ સરદાર પટેલ નર્મદા ટ્રેકમાં જોડાયા છે. કુલ- ૪ તબક્કામાં યોજાનારી સરદાર પટેલ નર્મદા ટ્રેકમાં પ્રથમ તબક્કાની ૨૫૦ જેટલા કેડેટ્સની ટુકડીને આજે પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. ૨૦ કિલોમીટર દૂર શુલપાણેશ્વર વન્યપ્રાણી અભ્યારણમાં સાતપુડાની પર્વતમાળાઓ વચ્ચે જયાં કેડેટસને જંગલમાં એક રાત વિતાવવાની વાસ્તવિક અનુભૂતિ થશે અને ત્યાં પહોંચશે. કરજણ ડેમના કેચમેન્ટ વિસ્તારોની આજુબાજુના કુદરતી વસવાટ વચ્ચે કેડેટસ બીજા દિવસે કરજણ બેકવોટર્સના વોટરફ્રન્ટ સાથે બેઝ કેમ્પ તરફ પાછા ફરશે. ત્યારબાદ કેવડીયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી, સરદાર સરોવર નર્મદા ડેમ અને વેલી ઓફ ફલાવર્સની મુલાકાત લેતાં પહેલાં કેડેટસ આગળ કરજણ ડેમ તરફ અને આજુબાજુ ટ્રેકીંગ કરશે તા. ૪ થી ડિસેમ્બરથી તા. ૧૩ મી ડિસેમ્બર, ૨૦૧૯ દ્રિતીય ટ્રેક યોજાશે.
આ પ્રસંગે વડોદરાના બ્રિગેડીયર અમીતે તેમના પ્રસંગોચિત ઉદબોધનમાં જણાવ્યું હતુ કે, રાષ્ટ્રીય એકતાની ભાવનાને પ્રોત્સાહિત કરી તેને વધુ બવળત્તર બનાવવાની સાથોસાથ એન.સી.સી.ના સમગ્ર દેશભરના ૧૭ જેટલા ડાયરેકટોરેટ વિસ્તારમાંથી ભાગ લેનાર છાત્રોમાં સાહસ, જંગલોની જાણકારી, પર્યાવરણની ભાવના અને ગુજરાતની સ્થાનિક સંસ્કૃતિ અને પરંપરાથી પરિચિત થવાનો હેતુ આ કેમ્પનો રહેલો છે.આ પ્રસંગે રાજપીપલા એનસીસી લીડરશીપ એકેડમી- જીતનગરના ઇન્ચાર્જ કમાન્ડીંગ ઓફીસર કર્નલ દેવન ભારદ્વાજે તેમના સ્વાગત પ્રવચનમાં સૌને આવકારી સરદાર પટેલ ટ્રેકીંગ કેમ્પની રૂપરેખા આપી હતી.
રાજપીપળા, આરીફ જી કુરેશી