રાજપીપળા :આરીફ જી કુરેશી
રાજપીપળા પાલિકાની નિષ્કાળજી સામે આવી : પાણીની લાઇનનું સમારકામ માટે ખોદેલ ખાડા તેવાને તેવા : સ્થાનિકો માં રોષ હાલ ડેન્ગ્યુનો વાવર ચાલતો હોય પાણીના ખાબોચિયા ભરાતાં પાલિકા સામે સ્થાનિકોમાં રોષ.
હાલ રાજપીપળા સહિત આસપાસના વિસ્તારોમાં ડેન્ગ્યુ જેવા ઘાતક રોગનો વાવર હોઈ આરોગ્ય તંત્ર દ્વારા લોકોને ગંદકી ન થાય તેમજ પાણીના ખાબોચિયા ન ભરાય ઉપરાંતની તકેદારી રાખવા માટે જાગૃત કરાઈ રહ્યા છે ત્યારે રાજપીપળા પાલિકાની બેદરકારી સામે આવી છે.
પ્રાપ્ત માહિતી મુજબ રાજપીપળા નિઝમશાહ દરગાહ સામે ઘણા દિવસોથી પાણીની લાઇનમાં ભંગાણ હોઈ પાણી જમીનમાંથી નીકળતું હતું ત્યારે સ્થાનિક લોકોએ ફરિયાદ કરી હતી ત્યારબાદ નવરાત્રી સમયે પાલિકા દ્વારા ખોદકામ કરવામાં આવ્યું હતું ત્યારથી આજદિન સુધી તે ખાડો એમજ છે કોઈ અધિકારી કે કોઈ પણ કામદાર જોવા સુદ્ધા આવ્યું નથી તેમ સ્થાનિકો જણાવી રહ્યા છે ઉપરાંત જે જગ્યાએ પાણી લીક થાય છે તેની સામે ની બાજુએ ખાડો ખોડયો હોવાનું પણ સ્થાનિકો જણાવી રહ્યા છે. હાલ ખાડાઓમાં પુષ્કાળ પ્રમાણમાં પાણી ભરાયું છે તેમજ આસપાસના વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય વધી ગયું છે ત્યારે લોકોમાં રોગચાળાનો ભય ફેલાયો છે ઉપરાંત ખાડો ખુલ્લો હોઈ કોઈ અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ ? એ પણ મોટો પ્રશ્ન છે.
આ બાબતે પાલિકા પાણી પુરવઠાના હરેન્દ્રભાઈ સાથે ટેલિફોનિક વાત કરતા તેઓએ કાલે કામ પતી જશે જેવો લુલો જવાબ આપ્યો હતો. સવાલ એ છે કે રાજપીપળા પાલિકા લોકોને સુવિધાઓ આપવામાં નિષફળ નીવડી રહી હોય તેમ લાગી રહ્યું છે અને પાલિકાની ઢીલી નીતિના લોકો ભોગ બની રહ્યા છે.