ભરૂચમાં પી.આર.પી. ની સુવિધા નથી : પ્લેટલેટ ઘટી જતાં દર્દીઓ મોત ને ભેટી રહ્યા છે. પી.આર.પી. વડોદરા અથવા સુરતથી મંગાવવા પડે છે, અથવા દર્દીને રીફર કરવો પડે છે.
ભરૂચ આખું ડેન્ગ્યુના કહેર થી ફફડી રહ્યું છે. હજારો લોકો ડેન્ગ્યુના શિકાર બની રહ્યા છે. તત્કાલ યોગ્ય સારવાર ના મળતા એક પછી એક દર્દીઓ મોતના મુખમાં ધકેલાઈ રહ્યા છે તેવા સમયમાં ભરૂચ જિલ્લાના ધારા સભ્યો અને સાંસદ પ્રજાને હચમચાવી મૂકે તેવી આફતોના સમયમાં જ લાપરવાહ સાબિત થઈ રહ્યા છે. તબીબો, તજજ્ઞો અને તંત્ર સાથે મિટિંગ કરી ડેંગ્યુનો ડામવા તથા અતિ આવશ્યક એવા પી.આર.પી.ની સુવિધા ઉભી કરવામાં ધારાસભ્યો અને સાંસદ નિષ્ફળ ગયા હોય તેમ લાગી રહ્યું છે. જેના કારણે પ્રજામાં પણ તેમના પ્રત્યે છૂપો રોષ જોવા મળી રહ્યો છે.
ડેન્ગ્યુના દર્દીઓમાં પ્લેટલેટ ઘટી જવાની સમસ્યા ઉભી થાય છે. જે ઘટી ને 10000 થઈ જાય તો પી.આર.પી. એટલે કે પ્લેટલેટ રિચ પ્લાઝમા દર્દીને ચડાવવા પડે છે. જો સમયસર પ્લાઝમા ના મળે તો દર્દી મોતના મુખમાં ધકેલાઈ જવાના સંજોગો ઉભા થાય છે. ભરૂચમાં બ્લડ બેન્ક છે. પરંતુ ત્યાં પી.આર.પી.ની બોટલ મળતી નથી. તે સુરત અથવા વડોદરા થી મંગાવવી પડે છે. જે ઘણા કેસમાં શક્ય બનતું નથી. ના છૂટકે આવા દર્દીઓને વડોદરા અથવા સુરત ખસેડવા પડે છે. આવા અનેક દર્દીઓ હાલ પ્લાઝમા વિના જીવન અને મૃત્યુ વચ્ચે સંઘર્ષ કરે છે. ધારાસભ્ય અને સાંસદે પોતાની જવાબદારી સમજીને તબીબો, તજજ્ઞો અને તંત્ર સાથે બેઠક કરી માહિતી મેળવી ડેન્ગ્યુ ને ડામવા તથા પ્લાઝમાં ભરૂચમાં ઉપલબ્ધ થાય તે માટે સરકારમાં રજૂઆતો કરવી જોઈએ. પરંતુ કમનસીબે આપણા ધારાસભ્ય અને સાંસદ આ બાબતમાં ઉણા અને ઉદાસીન પુરવાર થયા છે.
ઉલ્લેખનીય છે કે ધારાસભ્ય અને સાંસદ આપણા જ મતો થી ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે. તેઓ પ્રજા વતી સરકારમાં પ્રતિનિધિત્વ કરે છે. પ્રજાની સમસ્યાઓના નિરાકરણ માટે તેમણે સરકારમાં રજૂઆતો કરી સમસ્યાઓના નિરાકરણ કરવાના હોય છે. પરંતુ કમનસીબે આપણા પ્રતિનિધિ સરકારના પ્રતિનિધિ બનીને રહી જાય છે. અને ત્યારે પ્રજાની સમસ્યા ઓ વધી જાય છે. ભરૂચ હાલ આવી જ પરિસ્થિતિનો સામનો કરી રહ્યું છે. કહેવાય છે કે ધારાસભ્ય અને સાંસદ એ કોઈ ખેતરની સુરક્ષા માટે ખેડૂતે ઉભા કરેલા ચાડીયા નથી કે જેમની હાજરી થી જ ડેન્ગ્યુ ના મચ્છરો ભાગી જાય. વાસ્તવિક જીવનમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓએ પ્રજાના હિતમાં ચાડીયાની નહિ પણ ચોકીદારની ભૂમિકા નિભાવવી પડે તેવી ચર્ચાઓ ચાલી રહી છે કમનસીબે આપણાં પ્રતિનિધિઓ માત્ર સોશ્યલ મીડિયામાં જ મેં ભી ચોકીદાર હું ના ગાણા ગાય છે. જો આપણાં પ્રતિનિધિઓ સાચા અર્થમાં ચોકીદાર હોત તો ભરૂચ આજે ડેન્ગ્યુના ભરડામાં ના હોત, અથવા દર્દીઓ માટે સારી સારવાર ઉપલબ્ધ કરાવી શક્યા હોત, પ્લાઝમા ઉપલબ્ધ કરાવી શક્યા હોત. તંત્ર પાસેથી ડેન્ગ્યુના દર્દીઓના વાસ્તવિક આંકડા પ્રાપ્ત કરાવી શક્યા હોત, કેટલા દર્દીઓના મૃત્યુ થયા છે તેની માહિતી આરોગ્ય વિભાગ ઉપલબ્ધ કરાવી શક્યું હોત. પરંતુ આવું કશું થયું નથી. પરિણામે ભરૂચની પ્રજા ડેન્ગ્યુના કહેરમાં ફફડી રહી છે. દર્દીઓ એક પછી એક મોત ને ભેટી રહ્યા છે.
અહીં એ પણ નોંધવું રહ્યું કે જે પ્રકારે વાતાવરણ છે અને તંત્ર તથા પ્રજાના પ્રતિનિધિઓ ઉદાસીન છે તે જોતા આગામી જાન્યુઆરી માસ સુધી ડેંગ્યુનો દાનવ કેટલાય લોકોના ભોગ લઈને અને બેહાલ કરીને વધારે ભયાવહ બનશે. સ્થિતિ વધુ વણશે તેવી પૂરેપૂરી સંભાવનાઓ છે. ત્યારે આવા સંજોગોમાં લોકોએ જ બહાર આવી જનઆંદોલન છેડવું પડે તો નવાઈ નહિ.એવું પણ કહેવાય રહ્યું છે.
ભરૂચ : ડેન્ગ્યુના દાનવને નાથવામાં પ્રજાના પ્રતિનિધિઓ રાજધર્મ ચુક્યા ધારાસભ્ય અને સાંસદ તંત્ર, તબીબો અને તજજ્ઞો સાથે બેઠક કરી પી.આર.પી.ની સુવિધા ઉભી કરાવવી જોઈએ.
Advertisement