પંચમહાલ રાજુ સોલંકી
દેશની એકતા અને અખંડિતતાના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની 144મી જન્મજયંતિની પંચમહાલ જિલ્લામાં ભારે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. ગોધરા ખાતે થયેલી જિલ્લા કક્ષાની ઉજવણીમાં કૃષિ (રાજ્યકક્ષા), પંચાયત અને પર્યાવરણ (સ્વતંત્ર હવાલો) મંત્રી શ્રી જયદ્રથસિંહ પરમારે જણાવ્યું હતું કે સરદાર વલ્લભભાઈ પટેલે તેમની દિર્ઘદ્રષ્ટિ અને લોખંડી નિર્ણાયક શક્તિના બળે સ્વતંત્રતા મળ્યા બાદ 562 દેશી રાજ્યોને એકતાંતણે બાંધીને અખંડ ભારતનો પાયો નાંખ્યો હતો.
કાર્યક્રમના અંતમાં મંત્રીશ્રીએ દેશની એકતા વધુ બુલંદ કરવાનો સંદેશો વ્યક્ત કરતી રન ફોર યુનિટીને લીલીઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. રેલીમાં મોટી સંખ્યામાં શાળા-કોલેજના વિદ્યાર્થીઓ, પોલિસના જવાનો, સામાન્ય નાગરિકો, દોડવીરો અને અધિકારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
આ અગાઉ મંત્રીશ્રી સહિતના મહાનુભાવોએ સરદારનગર ખંડ ખાતે સરદાર પટેલની પ્રતિમાને સૂતરની આંટી તેમજ પુષ્પો અર્પણ કર્યા હતા. આ પ્રસંગે પોલિસ હેડક્વાર્ટર ખાતે એક બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.