ઓલપાડમાં રાજસ્થાની શ્રમજીવીએ તેના સાથીની હત્યા કરતા પોલીસે આરોપીની ધરપકડ કરી. આરોપીએ મૃતકની લાશ વતનમાં લઇ જવાનું કહી,રૂમમાં સંતાડી સગેવગે કરવાનો પ્રયાસ સાથીઓએ નિષ્ફળ બનાવ્યો.
ઓલપાડ ટાઉનની અસનાબાદ જીઆઇડીસીમાં મજુરી કરી પેટીયું રળતા રાજસ્થાની શ્રમજીવીએ જમવાનું ન બનાવવાની બાબતે તેના અન્ય સાથીઓ સાથે બબાલ મચાવી એકને માથામાં કુકરનું ઢાંકણ મારી મોતને ઘાત ઉતારી દેતા ચકચાર મચી જવા પામી છે.જ્યારે આરોપીએ તેની સાથે રૂમમાં રહેતા અન્ય શ્રમજીવીઓને ધાક-ધમકી આપી મૃતકની લાશ વતનમાં લઇ જવાનું કહી સગેવગે કરવાની કોશિષ કરી હતી.પરંતુ આ બબાલનો ભાંડો ફૂટી જતા પોલીસે આરોપીની ધરપકડ કરી છે.
ઓલપાડ ટાઉનની અસનાબાદ જીઆઇડીસીના પ્લોટ નંં-૬ માં જિંગા ઉદ્યોગ કીંગ પ્રદિપ નાવિકનું જીલ એક્વાનું ગોડાઉન આવેલ છે.આ ગોડાઉનનના કમ્પાઉન્ડની રૂમમાં રાજસ્થાનના ઝાલોર જિલ્લાના છાયલા તાલુકાના નરસાના ગામના રમેશ પરભુ મેઘવાલ,ફુસારામ છેલારામ દમામી,ગપારામ અદરીંગારામ ભીલ(રાણા) તથા મુકેશ મોતારામ મેઘવાલ રહી ગોડાઉનમાં આવતા માલની હમાલી કરી ગુજરાન ચલાવતા હતા.ગત ગુરૂવાર,તા-૩ ના રોજ ગપારામ ભીલ અને ફુસારામ છેલારામ દમામી(ઉં.વર્ષ-૩૫)કામ પર ન ગયા હોવાથી રૂમ પર હતા.જ્યારે રમેશ અને મુકેશ મેઘવાલ કામે ગયા બાદ મોડી રાતે ૯ કલાકના સુમારે જ્યારે રૂમ પર આવ્યા,ત્યારે જમવાનું બનેલ ન હોવાથી ફુસારામ દમામીને ઉગ્ર થઇને તેં અમારા માટે જમવાનું કેમ ન બનાવ્યું?તેમ કહી બબાલ મચાવી ઝઘડો શરૂ કર્યો હતો.આ ઝઘડો મારા-મારી સુધી પહોંચતા રમેશ મેઘવાલે ગપારામ ભીલ અને ફુસારામ દમામીને મોંઢા-પીઠના ભાગે ઢીક્કા-મુક્કીથી માર માર્યા બાદ રૂમમાં પડેલ એલ્યુમિનિયમ કુકરનું ઢાંકણ ફુસારામ દમામીને માથાના ભાગે મારતા તે બેભાન થઇ જમીન ઉપર ઢળી પડ્યો હતો.જ્યારે ફુસારામ બેભાન થતા આરોપી રમેશ મેઘવાલે અન્ય સાથીઓને માર મારવાની ધમકી આપી જણાવ્યું કે હું ફુસારામને વતનમાં લઇ જવાનો હોવાથી તેને રૂમમાં જ રહેવા દેજા અને કોઇએ તેની સારવાર કરાવવાની નથી.જેથી ગભરાયેલા અન્ય સાથીઓએ આ વાત કોઇને ન જણાવી ઇજાગ્રસ્ત ફૂસારામની સારવાર કરાવી ન હતી.જ્યારે બીજા દિવસે શુક્રવારે રમેશ અને મુકેશ મેઘવાલ કામ ઉપર નીકળી ગયા હતા અને ગપારામ ભીલ ઇજાગ્રસ્ત ફૂસારામ સાથે રૂમમાં એકલા હોવા છતાં આરોપીની ધમકીના પગલે સારવાર કરાવી ન હતી.જેના પગલે ગંભીર ઇજાગ્રસ્ત ફૂસારામનું શુક્રવારે મોડી રાતે ૧૧ કલાકના સુમારે પ્રાણ પંખીડું ઉડી ગયું હતું.જેથી આરોપીએ શનિવારે મળસ્કે ૩ કલાકના સુમારે મૃતકની લાશ સામેની રૂમમાં મુકી અન્ય સાથીઓને જણાવ્યું કે હું મૃતકની લાશ વતનમાં લઇ જવાનો છે,જેથી વાહનની વ્યવસ્થા કરી આવું છું,તેમ કહી ભાગી ગયા બાદ રૂમ ઉપર ફરકયો ન હતો.જેથી ગભરાયેલા સાથીઓએ જીલ એક્વાના માલિક પ્રદિપ નાવિકને જાણ કરતા તેણે ઓલપાડ પોલીસને જાણ કરી હતી.આ મામલાની જાણ ડીવીયએસપી સી.એમ.જાડેજાને કરાતા પોલીસ કાફલા સાથે ઘટના સ્થળે દોડી આવેલા ડીવાયએસપી જાડેજાએ રૂમમાં રહેતા અન્ય ઇસમોની પૂછપરછ કરતા હત્યાનો ભાંડો ફૂટ્યો હતો.આ મામલે ગપારામ ભીલે આરોપી વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે રમેશ મેઘવાલની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.