‘શિક્ષણ એ વિકાસનો પાયો છે અને શિક્ષણનું દાન સર્વ શ્રેષ્ઠ દાન છે’ એ મંત્રને ચરિતાર્થ કરતી રાજ્ય સરકારે આ વર્ષે શિક્ષણ પાછળ રૂ.૩૦ હજાર કરોડ ફાળવ્યા છે: મુખ્યમંત્રી
શિક્ષણ પાછળ વપરાતી ધનરાશિ સશક્ત સમાજનું નિર્માણ કરે છે: વિજયભાઈ રૂપાણી
ડેડીયાપાડા તાલુકાના સામરપાડા ખાતે નિર્માણ પામેલ સ્વામિનારાયણ મંદિર વડતાલધામ કન્યા છાત્રાલયને ખુલ્લું મૂકતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી
યુવાધન ઉચ્ચ શિક્ષણ મેળવી ઉજ્જવળ કારકિર્દી બનાવવાની સાથોસાથ
ઉન્નત રાજ્ય અને રાષ્ટ્રનું નિર્માણ કરે: મુખ્યમંત્રી
રાજપીપલા, આરીફ જી કુરેશી
રાજપીપલા,શિક્ષણ એ વિકાસનો પાયો છે અને શિક્ષણનું દાન સર્વ શ્રેષ્ઠ દાન છે’ એ મંત્રને ચરિતાર્થ કરતી રાજ્ય સરકારે આ વર્ષે શિક્ષણ પાછળ રૂ.૩૦ હજાર કરોડ ફાળવ્યા છે. રાજ્યના કુલ બજેટનો સૌથી મોટો હિસ્સો શિક્ષણ પાછળ ખર્ચી સરકારે છેવાડાના ગામો સુધી કે.જી. થી પી.જી. સુધીના શિક્ષણને સુલભ બનાવ્યું છે’ એમ આજે ડેડીયાપાડા તાલુકાના સામરપાડા ખાતે નિર્માણ પામેલા અદ્યતન કન્યા છાત્રાલયને ખુલ્લું મૂકતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું.
રાજ્યમાં ૧૦૮ શિક્ષણ ભવનના નિર્માણનો સંકલ્પ કરનારા સુરતના માતૃ કાશીબા હરિભાઈ ચેરિટેબલ ટ્રસ્ટના મુખ્ય દાતા કેશુભાઈ હરિભાઈ ગોટીના આર્થિક સહયોગથી ડેડીયાપાડા તાલુકાના સામરપાડા ખાતે ૬૬માં શિક્ષણ ભવનરૂપે સ્વામિનારાયણ મંદિર વડતાલધામ કન્યા છાત્રાલયનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેના અર્પણ સમારોહ પ્રસંગે મુખ્યમંત્રી એ વધુમાં જણાવ્યું હતું કે, શાળાકીય શિક્ષણમાં ‘સો ટકા એનરોલમેન્ટ અને ઝીરો ટકા ડ્રોપ આઉટ’ના ધ્યેય તરફ મક્કમતાથી આગળ વધી રહેલી રાજ્ય સરકાર ધો.૮માં સુધી જ નહિ, પરંતુ ધો.૧૨ સુધી રાજ્યનો કોઈ પણ વિદ્યાર્થી અધવચ્ચે શિક્ષણ છોડી ન દે તેની સતત કાળજી લઇ રહી છે.
વનવાસી વિસ્તારમાં છાત્રાલય બનાવી કન્યા કેળવણીનું સત્કાર્ય કરનાર કાશીબા ટ્રસ્ટને અભિનંદન આપતા મુખ્યમંત્રી એ જણાવ્યું કે, આદિવાસી વિસ્તારમાં છેવાડાના ગામોના આદિવાસી બાળકો શિક્ષણ મેળવી શકે તે ભાવના સરાહનાને પાત્ર છે. નાનકડું છાત્રાલય બનાવવું એ ભલે નાની વાત હોય, પણ એની પાછળ વિશાળ ભાવના સંકળાયેલી હોય છે. શિક્ષણ પાછળ વપરાતી ધનરાશિ સશક્ત સમાજનું નિર્માણ કરે છે. વિકાસના પાયામાં શિક્ષણ છે. દીકરીઓ શિક્ષિત થશે તો જ સભ્ય સમાજનું નિર્માણ થશે તેમ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું.
મુખ્યમંત્રી એ શિક્ષણને જીવનનું અભિન્ન અંગ ગણાવતા જણાવ્યું કે, ખેતી તથા પશુપાલન જેવા વ્યવસાયોમાં પણ શિક્ષણ અતિ જરૂરી છે. ગોંડલના મહારાજા ભગવતસિંહજીની શિક્ષણ અને કન્યા કેળવણી પ્રત્યેની દીર્ઘદ્રષ્ટિનો ઉલ્લેખ કરતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, ગોંડલ સ્ટેટમાં કન્યા કેળવણી ફરજીયાત હતી, જેના ફળસ્વરૂપે ગોંડલ સ્ટેટના વયોવૃદ્ધ લોકો આજે પણ સુશિક્ષિત અને સાક્ષર છે. અદ્યતન આશ્રમશાળાઓ, છાત્રાલયો, શિક્ષણ ભવનોનું નિર્માણ કરી સરકારના શિક્ષણ અને કન્યા કેળવણીના યજ્ઞમાં આહૂતિ આપી રહી છે, જે સમાજ માટે સારી નિશાની હોવાનું તેમણે જણાવ્યું હતું.
મુખ્યમંત્રીએ રાજ્યની નવી પેઢી સુશિક્ષિત અને સંસ્કારી બને તે માટે સામાજિક અને ધાર્મિક સંસ્થાઓના શિક્ષણલક્ષી કાર્યોમાં રાજ્ય સરકાર શક્ય તેટલી સહાયરૂપ બનશે એવી ખાતરી ઉચ્ચારી હતી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘નયા ભારત’ના નિર્માણના સંકલ્પને શિક્ષણના માધ્યમથી નવી પેઢી સાકાર કરશે એમ જણાવતા તેમણે એવી અપેક્ષા વ્યક્ત કરી કે યુવાધન ઉચ્ચ શિક્ષણ મેળવી ઉજ્જવળ કારકિર્દી બનાવવાની સાથોસાથ ઉન્નત રાજ્ય અને રાષ્ટ્રનું નિર્માણ કરી દેશની શક્તિ અને સામર્થ્યમાં વધારો કરે. કન્યા છાત્રાલયમાં અભ્યાસ કરતી કન્યાઓ શિક્ષિત બનવાની સાથે સારા ડોક્ટર, સી.એ., વકીલ, એન્જીનિયર, ઉચ્ચ અધિકારીઓ બને અને અને સમાજને સાક્ષરતા પ્રત્યે પ્રેરિત કરી અક્ષરજ્ઞાનનું અભિયાન ઉપાડે તેવું પ્રેરક સૂચન તેમણે કર્યું હતું.
નોંધનીય છે કે, મહેક સેવા મંડળના સહયોગથી સાકાર થયેલા હળપતિ સેવા સંઘ બારડોલી સંચાલિત સામરપાડા આશ્રમશાળા સ્વામિનારાયણ મંદિર વડતાલધામ કન્યા છાત્રાલય, સામરપાડા આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ તેમજ ડાંગના પ્રયોશા પ્રતિષ્ઠાનના સંત પી.પી. સ્વામીની પ્રેરણાથી કન્યા છાત્રાલય સાકાર થયું છે. કાશીબા ટ્રસ્ટ દ્વારારાજ્યમાં આજસુધી ૬૬ શિક્ષણ ભવનો- છાત્રાલયો સાકાર થઇ ચૂક્યા છે.
આ વેળાએ મુખ્યમંત્રી એ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતવર્યોના આશિર્વાદ મેળવ્યા હતા. આ વેળાએ મુખ્યમંત્રી નું શાલ, પુષ્પ, સ્મૃત્તિભેટ અને ભગવાનની પ્રસાદીની પેટી અર્પણ કરી સન્માન કરાયું હતું.
મુખ્યમંત્રી એ અદ્યતન શિક્ષણ ભવનો નિર્માણ કરનાર વડતાલધામના સંત ઓ અને દાતાશ્રીઓને સ્મૃત્તિચિહન અર્પણ કરી સન્માન્યા હતા.
જિલ્લા આ પ્રસંગે પદ્મશ્રી મથુરભાઈ સવાણી, સાંસદ મનસુખભાઈ વસાવા, જિલ્લા કલેક્ટર આઈ.કે. પટેલ, વિકાસ અધિકારી ડો.જીન્સી વિલિયમ, મુખ્ય કોઠારી સ્વામિ ઘનશ્યામપ્રકાશદાસજી સ્વામી, નૌતમ સ્વામી, હળપતિ સેવા સંઘ,બારડોલીના પ્રમુખ અરવિંદભાઈ દેસાઈ, તેમજ પ્રયોશા પ્રતિષ્ઠાન,ડાંગના સ્થાપક સંત શ્રી પી.પી. સ્વામી સહિત સંતો મહંતો, મહાનુભાવો, વિદ્યાર્થીઓ, ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.