સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સરદાર સરોવર નર્મદા ડેમની મંત્રી પરમારે લીધેલી મુલાકાત
રાજપીપલા, આરીફ જી કુરેશી
રાજપીપલા ગુજરાતના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના મંત્રી ઇશ્વરભાઇ પરમારે આજે નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના કેવડીયા કોલોની ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સરદાર સરોવર નર્મદા ડેમની મુલાકાત લીધી હતી. આ પ્રવાસમાં મંત્રી ના ધર્મપત્નિ શ્રીમતી કુમુદબેન પરમાર તેમજ બારડોલી સુગર ફેક્ટરીના ઉપપ્રમુખ ભાવેશભાઇ પટેલ અને તેમના ધર્મપત્નિ અને બાબેન ગામના સરપંચ શ્રીમતી ફાલ્ગુનીબેન પટેલ પણ સાથે જોડાયાં હતાં.
ગુજરાતના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના મંત્રી ઇશ્વરભાઇ પરમારે આજે બપોરે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પહોંચીને અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમા સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ સરદાર સાહેબની અતિ વિરાટ પ્રતિમાના ચરણોમાં ભાવવંદના કરી હતી. ત્યારબાદ તેઓશ્રીએ ૪૫ માળની ઉંચાઇવાળી સ્ટેચ્યુ ઓફ યુનિટીની વ્યુઇંગ ગેલેરીમાંથી નર્મદા ડેમના ઉપરવાસમાં પાણીની સતત આવકને લીધે ડેમની જળ સપાટીમાં થઇ રહેલા પાણીના વધારાને લીધે ડેમમાંથી પાણીના ઓવરફ્લોનો અદ્દભૂત નજારો પણ તેમણે માણ્યો હતો. તદઉપરાંત વિધ્યાંચલ-સાતપુડા ગિરીમાળાનું પ્રાકૃતિક સૌંદર્ય નિહાળવાની સાથે “મા નર્મદાના” પવિત્ર દર્શન કર્યા હતા. ત્યારબાદ સ્ટેચ્યુ ઓફ યુનિટી-પ્રદર્શન-લાયબ્રેરી અને સરદાર સાહેબના જીવન-કવનને વણી લેતી દસ્તાવેજી ફિલ્મ પણ તેમણે રસપૂર્વક નિહાળી હતી.
મંત્રી ઇશ્વરભાઇ પરમારની આ મુલાકાત દરમિયાન લાયઝન અધિકારી અને જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી એસ.એન.રાઠોડ, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી ચેતન પરમાર તેમજ સરદાર સરોવર નર્મદા નિગમના સંબંધિત અધિકારી ઓ-ઇજનેરશ્રીઓ વગેરે પણ સાથે જોડાઇને મંત્રીશ્રીને જરૂરી વિગતોથી વાકેફ કર્યા હતા.