ઓલપાડ તાલુકામાં ભારે વરસાદથી અસરગ્રસ્તોને નુકશાની વળતર માટે ૧૨ સરવે ટીમો બનાવાઇ કામગીરી શરૂ કરાઈ
(પેટા-ધારાસભ્ય મુકેશ પટેલના અધ્યક્ષ સ્થાને ડીઝાસ્ટર મેનેજમેન્ટના અધિકારીઓની તાલુકા પંચાયત કચેરીમાં મિટીંગ યોજાઇ)
ઓલપાડ,તા-૦૮
ઓલપાડ તાલુકામાં પાંચ દિવસ પૂર્વે બે દિવસમાં સતત ૧૬ ઈંચથી વધુ વરસાદ પડતાં તાલુકાના ગામડાઓમાં નીંચાણવાળા વિસ્તારોમાં ભરાયેલા પાણીથી ખેડૂતો અને અસરગ્રસ્તોને સરકારી મદદ કરવા તાલુકા ડીઝાસ્ટર મેનેજમેન્ટે ઓલપાડ ધારાસભ્ય મુકેશ પટેલના અધ્યક્ષ સ્થાને તાકીદની મિટીંગ યોજી સરવે કામગીરી હાથ ધરી છે.
વિગત મુજબ ઓલપાડ તાલુકામાં પાંચ દિવસ પૂર્વે થયેલા અતિ ભારે વરસાદના પગલે વરસાદી પાણીએ તારાજી સર્જતા તાલુકાની જનતાનું જનજીવન પ્રભાવિત થયું હતું.જેના પગલે ઓલપાડ,સાયણ,કીમ ટાઉન સહિત કીમ નદી પટ્ટીના ૧૦ થી વધુ ગામોના ખેડૂતો સહિત અસરગ્રસ્ત શ્રમજીવી પરિવારોને ભારે નુકસાન થયું હતું.જેથી હરકતમાં આવેલ સરકારી તંત્રએ પુર અસરગ્રસ્ત પરિવારો અને ખેડૂતોને મદદ કરવા તાકીદે ડીઝાસ્ટર મેનેજમેન્ટના અધિકારીઓની મિટીંગ યોજી સરવે કામગીરી હાથ ધરી છે.આ મિટીંગમાં ઓલપાડ ધારાસભ્ય મુકેશ પટેલે અધિકારીઓને સૂચના આપતા જણાવ્યું કે અત્યાર સુધીમાં તાલુકાના ૩૦૮ ખેડૂતોની ૧૪૭૦ હેકટરથી વધુ ખેતીલાયક જમીનના કપાસ,ડાંગર,દિવેલા અને શાકભાજી પાકોને નુકશાન થયાનું જણાયેલ છે.જ્યારે લાકડાના માંડવા ઉપર શાકભાજી પકવતા અનેક ખેડૂતોના શાકભાજી માંડવાઓ પણ જમીનદોસ્ત થવાથી નુકશાન થયાનું જણાયું છે.જ્યારે નીંચાણવાળા રહીશોના મકાનમાંં પાણી ભરાઇ જવાથી તેઓની ઘરવખરી અને જીવન જરૂરીયાત ચીજા ભીંજાઇ જતા નુકશાન થયેલ છે.જે નુકશાની આવનારા દિવસોમાં વધી શકે તેવા અણસારથી તમામ અસરગ્રસ્તોને સરકારી મદદ મળી રહે તેવા હેતુથી તંત્રના અધિકારીઓ સાથે મિટીંગ યોજી સરવે કામગીરી હાથ ધરવા સૂચના આપી છે.આ મિટીંગમાં ઓલપાડ પ્રાંત અધિકારી રાજેશ પટેલે તંત્રના ખેતીવાડી,પશુ ચિકિત્સક,પંચાયત,ડ્રેનેજ અને માર્ગ-મકાન, આરોગ્ય,ડીજીવીસીએલ અને પોલીસ અધિકારીઓને હવે પછી પ્રજાજનો વરસાદી પાણીથી હાલાકીનો સામનો ન કરવો પડે તે માટે ક્ષતિઓ દુર કરવા સૂચના આપી હતી.તેમણે જણાવ્યું કે વરસાદી પાણી ઓસરતા રોગચારો ન ફેલાઇ તે માટે આરોગ્ય તંત્રને તકેદારી રાખવા અને અસરગ્રસ્તોને કેશડોલ ચુકવાઇ તથા ખેડૂતોને ઝડપથી પાક નુકશાની વળતર મળે તે માટે નાયબ મામલતદાર,તાલુકા પંચાયત હસ્તકના અધિકારી અને તલાટીની ૧૨ ટીમો બનાવી આ ટીમને ૩ દિવસમાં સરવે કામગીરી હાથ ધરી રિપોર્ટ કરવા આદેશો આપવામાં આવેલ છે. જ્યારે ભારે વરસાદમાં પણ પાવર ચાલુ રહેતા ડિજીવીસીએલની કામગીરીને પણ મિટિંગમાં બિરદાવી હતી.
ગેરકાયદેસર જિંગા તળાવોનો ખાત્મો બોલાવાશે
ઓલપાડમાં પડેલ મુશળધાર વરસાદ બાદ જળબંબાકારની પરિસ્થિતી માટે તાલુકાના દરિયાઇ પટ્ટીના કાંઠા વિસ્તારના ગામોમાં જિંગા તળાવોના પાળાના કારણે વરસાદી પાણીનો ઝડપથી નિકાલ ન થતા લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હોવાનો પ્રજાજનો બળાપો કાઢી રહ્યા છે.જા કે આ મામલે ડીઝાસ્ટર મેનેજમેન્ટની મિટીંગ બાદ ઓલપાડ પ્રાંત અધિકારી રાજેશ પટેલે હુંકારા સાથે ખાત્રી આપી હતી કે જિંગા તળાવો સુધી પહોંચવા વાહનો અને સાધનોની વ્યવસ્થા થશે કે તરત જ પોલીસ બંદોબસ્ત સાથે ગેરકાયદેસર જિંગા તળાવોનો ખાત્મો કરી છેવાડીની દરિયાઇ પટ્ટી સુધી ૧૦ ફૂટ પહોળો પથ બનાવવાની સૂચના આપી દેવામાં આવી છે.