દિનેશભાઇ અડવાણી
સુરત જિલ્લા સહિત તાલુકામાં વરસાદ ખેંચાતા ખેડૂતોની હાલત કફોડી બની જવા પામી છે જો ખેતીલાયક વરસાદ નહીં પડે તો ખેતીના પાક નિષ્ફળ જવાની શક્યતા સેવાઇ રહી છે. ત્યારે મેઘરાજાને વરસાદી હેત વરસાવવા માટે ઠેર ઠેર પ્રાર્થના, સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરાઈ રહ્યું છે ત્યારે ઓલપાડ તાલુકામાં વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતિત બની ગયા છે. જૂન બાદ જુલાઈ મહીનો પણ પૂર્ણ થવાના આરે છે છતાં ઓલપાડમાં પૂરતો વરસાદ ન વરસતા જાણે મેઘરાજા રિસાયા હોય તેવું જોવા મળી રહ્યું છે ત્યારે ઓલપાડ તાલુકાના કાંઠા વિસ્તારના ગામોમાં ખેડૂતોની પરિસ્થિતિ કફોડી બની છે આવા સંજોગોમાં ગ્રામજનો પરમકૃપાળુ પરમાત્માના શરણે જઇ મેઘરાજાને રીઝવવા માટે પ્રયત્નો કરી રહયા છે ત્યારે ઓલપાડ તાલુકાના કમરોલીગામે એક યજ્ઞના ભાગરૂપે ગામના મહાદેવ મંદિરમાં સાડા ત્રણ દિવસ માટે ભજન સપ્તાહનું આયોજન કરાયુ છે જેમાં ગામના લોકો જુદા જુદા વારા બાંધી ઉભા રહી ભજન કરી રહયા છે.ભજન સપ્તાહમાં ગ્રામજનો મોટી સંખ્યામાં ભાગ લઈ રહ્યા છે સતત 24 કલાક અવિરત પણે વિરામ લીધા વિના ભજન ગાતા રહે છે. અને ગાયકો તબલા વાદકો તથા સંગીતવાદકો પણ ભજન ધૂનની સરવાણી વહેતી રાખી છે.
વરસાદ ખેંચાતા તાલુકા વાસીઓ ચિંતાજનક સ્થિતિ સર્જાઈ છે ત્યારે ઓલપાડના ભટગામના ગ્રામજનો દ્વારા મહાકાળી માતાજીના મંદિરમાં વરુણદેવને રીઝવવા એક યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બપોર બાદ મેઘયજ્ઞનો શુભારંભ કરાયો હતો. જેમાં શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે શરૂ કરાયેલા આ યજ્ઞમાં મેઘરાજાને મનાવવા પૂજા અર્ચના કરી હતી જેમાં ગ્રામજનો જોડાયા હતા. અને સારો એવો વરસાદ પડે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી.