પંચમહાલ રાજુ સોલંકી
ગૃહ રાજ્ય મંત્રી અને ગોધરા જિલ્લા પ્રભારી મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે,ગોધરા શહેરમાંથી પસાર થતાં ભામૈયા ચોકડી થી પરવડી ચોકડી સુધીના અમદાવાદ-ગોધરા-દાહોદ-ઈંદોરના રસ્તાને રૂપિયા ૧૫૦૦/- લાખના ખર્ચે ફોર લેન બનાવવામાં આવશે. જેના થકી ગોધરા શહેરના સીમલા ગેરેજ વિસ્તારનું ટ્રાફિક ભારણ હળવું થશે.
મંત્રી શ્રી જાડેજાએ રાજ્ય સરકાર દ્વારા તાલુકા મથકોને જિલ્લા મથકો સાથે જોડતા માર્ગોને સુધારવા અને સંગીન બનાવવાની યોજના હેઠળ આ કામ મંજૂર કરવા બદલ રાજ્યના નાયબ મુખ્યમંત્રીશ્રી અને માર્ગ મકાન મંત્રી શ્રી નીતિનભાઇ પટેલનો આભાર વ્યક્ત કર્યો છે.મંત્રીશ્રીએ ઉમેર્યું કે ગોધરાના હાર્દ સમા આ રસ્તાને માર્ગ અને મકાન વિભાગ દ્વારા ૧૨.૮૩ કિલોમીટરનું ચાર માર્ગીયકરણ થશે અને તેના ક્રોસ સેક્સન પ્રમાણે રસ્તાની કુલ પહોળાઇ ૧૮ મીટર થશે.તેમણે ઉમેર્યું કે, ગુજરાત સરકારે વાઇબ્રન્ટ ઈકોનોમિક સિસ્ટમ, કેપિટલાઈઝેશન અને ઈન્ડસ્ટ્રિલાઈઝેશનને પહોંચી વળાય એ રીતે માર્ગોનું માળખું ગોઠવી તેનું પરિણામલક્ષી અમલીકરણ કર્યુ છે. રાજ્ય સ્તરના માર્ગો, જિલ્લાથી જિલ્લાને જોડતા માર્ગો, તાલુકા સ્તરથી ગ્રામ્ય સ્તર સુધીના માર્ગો ગુણવત્તાયુક્ત અને બારમાસી બનાવ્યા છે. જેના કારણે છેવાડાના નાગરિકો સુધી આરોગ્ય, શિક્ષણ સહિતની પ્રાથમિક સુવિધાઓ સુલભતાથી ઉપલબ્ધ થઇ છે. હયાત રસ્તાઓની સુધારણા અને મજબૂત તથા ટકાઉ બનાવવાની પણ સરકારની પ્રતિબધ્ધતા છે.