વિનોદભાઇ પટેલ
અંકલેશ્વર નગરપાલિકામાં મહિલા કર્મચારી દ્વારા સખીમંડળના 1.33 લાખ ઉંચાપત થયાના કેસમાં હવે નગરપાલીકા સત્તાધીશોએ કડક વલણ અખ્તિયાર કર્યું છે.અંકલેશ્વર પાલિકાના સખીમંડળની ગ્રાન્ટ માટે આવતા નાણાંનો વહીવટ પાલિકાના મુખ્ય અધિકારી તેમજ સમાજ સંગઠનના હસ્તક હોય છે. આ નાણા ગરીબો માટે સરકાર ફાળવે છે. પાલિકાના મહિલા કર્મચારી હેમાક્ષી રાણાએ આ નાણા પૈકી રૂપિયા 1.૩૩ લાખ જેટલી મોટી રકમ પોતાની પાસે રાખી હતી અને હિસાબ આપવાનો આવ્યો ત્યારે તેમની ગાડીની ડીકીમાંથી પૈસા ચોરાઈ ગયા હોય તેવો ખુલાસો કર્યો હતો.જોકે ઓડિટમાં આ મુદ્દો ગાજતા છેવટે ચીફ ઓફિસરે અંકલેશ્વર પાલિકા પ્રમુખને પત્ર લખી હેમાક્ષી રાણાએ ઉંચાપત કરી હોવાથી કડક પગલાં ભરવાનું જણાવ્યું. જોકે આ સત્તા વહીવટી અધિકારી તરીકે ચીફ ઓફિસરે જ નિર્ણય લેવાનો હોય છે.જેથી પ્રમુખ દક્ષાબેન શાહે ચીફ ઓફિસરને જ પગલાં લેવા સૂચના આપી હતી. જોકે પાછળથી ચીફ ઓફિસરે સુર બદલીને હેમાક્ષી રાણા નાણા પરત કરવા માગતા હોવાથી ઉચાપતનો કેસ નથી એવું લેખિતમાં પ્રમુખને જણાવ્યું હતું.જોકે પાલિકા પ્રમુખે આ ગેરરીતી હોવાથી કડક પગલાં લેવાનું જણાવ્યું છે.આ અંગે પાલિકા પ્રમુખ દક્ષાબેનએ જણાવ્યું હતું કે આ ચોખ્ખો ગેરરીતિનો કેસ છે.ગરીબોના નાણા કર્મચારીએ પોતાની પાસે જ રાખી મૂક્યા તે સાંખી લેવાય નહીં. મહુડી મંડળ તરફથી પણ આ ઘટનાની ગંભીર નોંધ લેવાય છે અને અમે ચીફ ઓફિસરના નેજા અંગે સખત કાર્યવાહી કરી પગલા લેવા જણાવ્યું છે.
આ અંગે ચીફ ઓફિસર પ્રશાંત પરીખનો સંપર્ક કરતા તેમનો ફોન સ્વીચ ઓફ આવ્યો હતો. દરમિયાન પાલિકાના વિપક્ષી નેતા ભુપેન્દ્ર જાનીએ આ ઘટનાને ગંભીર ગણાવી હતી અને આવા કર્મચારી વિરુદ્ધ સખત પગલા લેવાય તેવી માંગ કરી હતી.આ અંગે તેઓએ પાલિકા પ્રમુખને પણ રજુઆત કરી છે. હાલ તો મળતી માહિતી મુજબ હેમાક્ષી રાણાને નોટિસ આપી તપાસ ચાલી રહી છે. જોકે આ નોટિસમાં શું છે એ ચીફ ઓફિસરનો સંપર્ક ન થતા જાણવા મળેલ નથી.પાલિકા મહિલા કર્મચારી દ્વારા આટલી મોટી રકમની ગેરરીતિ હાલ ટોક ઓફ ધ ટાઉન બની રહી છે.