Proud of Gujarat
FeaturedGujarat

મંદિર નો રસ્તો રોકીને યુવતી એવી રીતે ઉભી રહી કે સીધો પ્રેમનો દ્વાર ખુલી ગયો….

Share

કોલમ- “પ્રેમની વસંત બારેમાસ” 
લેખક- નીલકંઠ વાસુકિયા (વિરમગામ)

સવારનો સમય છે અને સૂર્યોદય થવાની તૈયારી છે. પક્ષીઓનો મધુર કલરવ સંભળાઈ રહ્યો છે. જાહેર માર્ગો પર વાહનોની ખૂબ જ ઓછી માત્રામાં અવરજવર જોવા મળી રહી છે અને સવારમાં શહેરીજનો કદમ થી કદમ મિલાવીને ચાલી રહ્યા છે. કેટલાક હળવી કસરત કરી રહ્યા છે તો બીજી બાજુ શહેરના પોશ માનવામાં આવતા વિસ્તારોમાં હજુ પણ સન્નાટો જોવા મળી રહ્યો છે અને મોટાભાગના લોકો આરામ ફરમાવી રહ્યા છે. પરંતુ શહેરના પોશ વિસ્તારમાં રહેતો નીરવ નામનો યુવાન વહેલી સવારમાં ઉઠી ને નિયમિત કસરત કરવા માટે, લટાર મારવા માટે બહાર નીકળે છે. એક દિવસ નીરવ જ્યારે રસ્તા પર બધા મિત્રોની સાથે ચાલવા નીકળ્યો છે ત્યારે તેની નજર રસ્તાની બાજુમાં રહેલા એક ઘર પર પડે છે અને વહેલી સવારમાં ઘરની બાલ્કનીમાં કસરત કરી રહેલી યુવતીને નિહાળે છે. નમિતા નામની યુવતીને જોતાની સાથે જ નિરવની આંખો ત્યાં ચોંટી જાય છે અને નમિતાને જ નિહાળ્યા કરે છે. આ દિવસ પછી તો નિરવ પોતાના નિત્યક્રમ મુજબ સવારમાં ચાલવા નીકળે છે અને નમિતાના ઘર પાસે આવી ઘરની બાલ્કનીમાં હળવી કસરતો કરતી નમિતાને નિહાળ્યા કરે છે. થોડા દિવસ આ ઘટનાક્રમ ચાલ્યા પછી નમિતાને ખબર પડી જાય છે કે કોઈ યુવક તેને નિહાળી રહ્યો છે એટલે નમિતા બાલ્કનીમાં કસરત કરવાના બદલે પોતાના ઘરની અંદર જ કસરત કરવાનું શરૂ કરે છે અને સવારના સમય બહાર નીકળતી નથી. આમ તો નમીતાનો સ્વભાવ હસમુખો અને હેતાળ છે પરંતુ કોઈ તેને છંછેડે તો તેને ખૂબ જ ગુસ્સો આવી જાય છે. મોટાભાગે શાંત જોવા મળતી નમિતા નીરવના વ્યવહારના કારણે થોડી ગુસ્સે થાય છે અને સવારે બાલ્કનીમાં આવવાનું ટાળી રહી છે. થોડા દિવસો સુધી નીરવ ચાલવા આવે છે પરંતુ તે નમિતાની એક ઝલક પણ નિહાળી શકતો નથી જેના કારણે ખૂબ જ આકુળ વ્યાકુળ બની જાય છે અને નમિતાની એક ઝલક મેળવવા માટે પ્રયત્ન કરે છે.  નીરવના તમામ પ્રયત્નો નિષ્ફળ જાય છે અને તે નમિતાને ક્ષણભર પણ નિહાળી શકતો નથી. અનેક પ્રયત્નો છતાં નિષ્ફળતા મળવાને કારણે નીરવ ખૂબ જ હતાશ અને ગમગીન બની જાય છે. તે મિત્રો સાથે વાત કરવાનું ઓછું કરી દે છે અને નાની નાની વાતમાં ગુસ્સે થવા લાગે છે ત્યારે આવા સમયે નીરવના મિત્રો તેને સંભાળે છે. મિત્રો કહે છે કે ભાઈ પ્રેમમાં તો આવું થયા કરે તારા નસીબમાં કદાચ નમિતા નહીં હોય અને તેનાથી પણ સારી છોકરી તારા નસીબમાં લખી હશે ત્યારે નીરવ કહે છે કે મારા નસીબમાં શું લખ્યું છે તે હું જાણું છું અને નમિત જ મારા નસીબમાં છે અને હું તેને કોઈ પણ ભોગે મેળવીને જ રહીશ. મિત્રોના વારંવાર સમજાવવા છતાં નીરવ નમિતાને કોઈપણ સંજોગોમાં ભુલવા માટે તૈયાર થતો નથી અને નમિતાને પામવાની જીદ કરે છે. આખરે મિત્રો કહે છે કે નીરવ તું નમિતાને પ્રેમ કરતો રહેજે પરંતુ થોડા દિવસ અમારી સાથે ફરવા માટે આવ ત્યારે નીરવ કહે છે કે હું નમિતાને એક વખત જોયા વગર શહેરની બહાર ક્યાંય નીકળવાનો જ નથી. મિત્રોના વારંવારની સમજાવટને કારણે આખરે નીરવ તૈયાર થાય છે અને બધા મિત્રો સાથે મળી જંગલમાં પ્રકૃતિના સાનિધ્યમાં થોડો સમય પસાર કરવાનું નક્કી કરે છે. પૂર્વ નિર્ધારિત યોજના પ્રમાણે નીરવ મિત્રો સાથે જંગલમાં આવે છે પરંતુ સાથે નમિતાને ન જોયા નું દુખ-દર્દ પણ લઈને આવે છે. જંગલમાં મિત્રો સાથે આવવા છતાં પણ નીરવને તો માત્ર નમિતા ના જ વિચારો આવ્યા કરે છે અને તેનું મન જંગલમાં લાગતું નથી. એકાદ દિવસ જેટલો સમય જંગલમાં  વીતાવ્યા પછી પ્રકૃતિના સાનિધ્યમાં સતત રહેવાના કારણે નિરવ થોડી હળવાસ અનુભવી રહ્યો છે અને મન પણ શાંત જણાય રહ્યું છે.  મિત્રો સાથે નીરવ થોડી ઘણી વાતચીત કરી રહ્યો છે પરંતુ વાતચીતમાં પણ ક્યાંય ને ક્યાંય નમિતા નો ઉલ્લેખ આવી જ જાય છે. નીરવ સતત ન નમિતાના વિચારોમાં જ ખોવાયેલો રહેતો હોવાને કારણે તેના મિત્રો એક યોજના બનાવે છે અને તે યોજનાના ભાગ રૂપે જંગલમાં આવેલા દર્શનીય સ્થળો જોયા પછી પ્રાચીન મંદિરમાં જવાનો નક્કી કરવામાં આવે છે. યોગાનુયોગ નમિતા અને તેની કેટલીક સહેલીઓ જંગલ દર્શનના કાર્યક્રમ અંતર્ગત જંગલમાં આવેલ છે અને બધી યુવતીઓ સમુહમા નિવાસ કરી રહી છે. બીજા દિવસે વહેલી સવારમાં નમિતા ઊઠી જાય છે અને પોતાની સહેલીઓને પણ ઉઠાડે છે અને સાથે જંગલમાં ફરવા માટે નીકળી પડે છે. પ્રકૃતિના સાનિધ્યમાં નમિતા ખૂબ જ ખુશ રહે છે અને જંગલમાં ફર્યા બાદ પ્રાચીન મંદિરના દર્શન કરવા માટે જાય છે. મંદિરમાં દર્શન કરીને નમીતા અને તેની બહેનપણીઓ ધન્યતા અનુભવે છે અને મંદિરના પ્રાંગણમાં રમત રમવાની શરૂઆત કરે છે.  બધી સહેલીઓ એકસાથે મળીને રસ્તા રોકવાની રમત રમે છે અને રમતમાં થોડા સમય પછી નમિતાનો દાવ દેવાનો વારો આવે છે. નમિતા જંગલમાં આવેલા પ્રાચીન મંદિરના મુખ્ય દરવાજા પર રસ્તો રોકી ને ઉભી રહી જાય છે અને પોતાના સવાલોના સાચા જવાબ આપનાર વ્યક્તિને જ મંદિરમાં પ્રવેશ આપવામાં આપવામાં આવે છે. થોડા સમય માટે આ મંદિરમાં કોઈ પ્રવેશ ન કરી શકે તે માટે નમિતા દ્વારા અઘરા સવાલો નિશ્ચિત કરવામાં આવ્યા છે અને દરેક વ્યક્તિને આ પ્રકારના જ સવાલો પૂછવામાં આવી રહ્યા છે. તો બીજી બાજુ નિરવ અને તેના મિત્રો પણ જંગલમાં લટાર મારીને મંદિરમાં  દર્શન કરવા માટે આવે છે. મંદિર પહોંચતાની સાથે જ મંદિરનો રસ્તો રોકતી નમિતાને જોઈને નિરવ ખૂબ જ હરખાઇ જાય છે અને તેની ખુશીઓનો કોઈ પાર રહેતો નથી. નીરવ અતિ ઉત્સાહમાં આવીને દોટ મૂકી મંદિરના મુખ્ય દરવાજા સુધી પહોંચી જાય છે, નમિતા ને નિહાળ્યા કરે છે  ત્યારે નીરવને નમિતા દ્વારા કેટલાક સવાલો પૂછવામાં આવે છે પરંતુ નીરવ પોતાની ખુશી ના કારણે નમિતાના એક પણ સવાલનો સાચો જવાબ આપી શકતો નથી. જેના કારણે નમિતા નીરવને મંદિરમાં પ્રવેશવા દેતી નથી અને ચટ્ટાનની જેમ રસ્તો રોકી મંદિરના દ્વાર પર ઊભી રહી જાય છે. નિરવ અને નમિતા વચ્ચે થોડો વાદ-વિવાદ પણ થાય છે થોડા સમય બાદ નમિતા નીરવને મંદિરમાં જવા માટે રસ્તો આપે છે અને સાથે ક્ષમા પણ માગે છે. નમિતા જણાવે છે કે અમે બધી સહેલીઓ મંદિરમાં દર્શન કરવા માટે આવ્યા હતા અને દર્શન કરીને રમત રમી રહ્યા હતા અને રમતના ભાગરૂપે જ મેં તમને મંદિરમાં જતા અટકાવ્યા હતા. નીરવ પણ કહે છે કે તમે જે કર્યું તે રમત માટે કર્યું છે પરંતુ આપની રમતના કારણે જ આપણા સંવાદની શરૂઆત થઈ છે. આ સંવાદ આગળ પણ ચાલુ રાખજો. નીરવ તો મનોમન નમિતાને ભરપૂર પ્રેમ કરી રહ્યો છે પરંતુ થોડા સંવાદ બાદ નમિતાના મનમાં પણ નિરવ પ્રત્યે થોડી લાગણી જોવા મળી રહી છે. નમિતા અને નિરવ બંને સાથે મંદિરમાં દર્શન કરવા માટે જાય છે ત્યારે નમિતા વિશ્વ કલ્યાણની પ્રાર્થના કરે છે જ્યારે નીરવ ભગવાન પાસે પોતાના જીવન કલ્યાણની, પોતાના પ્રેમ નમિતાને માંગે છે. મંદિરમાં દર્શન કર્યા બાદ બન્ને થોડો સમય જંગલમાં પણ સાથે વિતાવે છે અને વાતચીત કરી રહ્યા છે. સતત સાથે રહેવાના કારણે અને એકબીજાને પોતાના સમજવાના કારણે નિરવ અને નમિતા પ્રણયના તાંતણે બંધાઈ છે. જંગલમાંથી શરૂ થયેલો નમિતા અને નિરવનો પ્રેમ વર્ષો સુધી અકબંધ રહે છે અને બંને એકબીજાને ભરપૂર પ્રેમ,  હૂંફ, લાગણી આપી રહ્યા છે. થોડા વર્ષો પછી જ્યારે નમિતા અને નીરવ મળે છે ત્યારે બંને સાથે મળીને પ્રેમના સંબંધ ને કંઈ નામ આપવાનું નક્કી કરે છે પરંતુ બંને મૂંઝાય છે કે આપણા પ્રેમના સંબંધ ને શું નામ આપીશું? આખરે બંને લગ્નના બંધનમાં બંધાવાનો નિશ્ચિય કરે છે. નિરવ અને નમિતા ના લગ્ન ખૂબ જ ધામધૂમથી કરવામાં આવે છે. નીરવ અને નમિતાનો લગ્નજીવન સુખમય શાંતિમય નીવડી રહ્યું છે અને થોડા મહિનાઓ બાદ પરિવારમાં એક નાનકડા સભ્યનું  આગમન થવા જઈ રહ્યું છે જેના કારણે પરિવારની ખુશીઓ બેવડાઈ જાય છે.  નીરવ દ્વારા નમિતાની વિશેષ કાળજી રાખવામાં આવી રહી છે અને નમિતાને કોઈપણ પ્રકારની અગવડ ન પડે તે માટે ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. નમિતા પુત્રરત્નને જન્મ આપે છે અને તે પુત્રનું નામ નમિતા અને નીરવ ના પ્રેમનુ પ્રતીક નીરમિત રાખવામાં આવે છે. નીરમિતની સાથે નીરવ અને નમિતા ભરપુર પ્રેમથી સુખી જીવન જીવી રહ્યા છે.

Advertisement

(તસવીર સૌજન્ય- મિત્તલ પટેલ, અમદાવાદ)


Share

Related posts

ભરૂચ જીલ્લામાં આગામી શ્રાવણ માસનાં અને અન્ય તહેવારો યોજાશે કે કેમ તે અંગે પ્રશ્નો જાણો વાસ્તવિક હકીકત.

ProudOfGujarat

ગોલ્ડન બ્રિજના ઉત્તર છેડે સ્કોડા જેવી વૈભવી કારમા વિદેશી દારૂ ઝડપાયો જાણો વધુ વિગતો…

ProudOfGujarat

નર્મદા ડેમ છલકાવાની તૈયારીમાં, આ સીઝનમાં પહેલીવાર ખુલશે ડેમના દરવાજા, કાંઠા વિસ્તારોમાં એલર્ટ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!