દિનેશભાઇ અડવાણી
પવિત્ર રમજાન માસની શરૂઆત તારીખ ૭-૫-૨૦૧૯ થી થઇ રહી છે ત્યારે તત્રં દ્વારા વીજકાપ ન મુકવામાં આવે તથા પૂરતા પ્રમાણમાં પાણીની સુવિધા મળી રહે તે માટે પશ્ચિમ વિસ્તારના તથા જુના ભરૂચના રહીશો દ્વારા આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું.
ભરૂચ જિલ્લા DGVCL ને પાઠવવામાં આવેલ આવેદન પત્રમાં જણાવવામાં આવ્યું છે કે પવિત્ર રમજાન માસ નિમિતે મુસ્લિમ સમાજના લોકો આખો દિવસ અલ્લાહની ઈબાદત કરતા હોય છે.ત્યારે જી.ઈ.બી દ્વારા કોઈપણ જાતના કારણ વગર પશ્ચિમ વિસ્તારમાં લાઈટો કાપી નાખે છે અને જયારે આ વિસ્તારના લોકો જી.ઈ.બી કચેરીમાં ફોને કરે ત્યારે અધિકારીઓ દ્વારા જણાવવામાં આવે છે મેન્ટેનન્સનું કામ ચાલુ છે.તથા વીજકાપના લીધી અજાન આપવામાં પણ તકલીફ પડતી હોવાનું આવેદન પત્ર માં જણાવવામાં આવ્યું છે.તેથી રમજાન માસ દરમિયાન વીજકાપ ન મુકવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.
અન્ય એક આવેદન પત્ર ભરૂચ નગરપાલિકાને પાઠવવામાં આવ્યું છે જેમાં જણાવવામાં આવ્યું છે કે જંબુસર બાયપાસ ચોકડી થી વેલ્ફેર હોસ્પિટલ સુધીના રસ્તા પર ગટર લાઈન નાખવાથી રોડ પર ખાડા પડી ગયેલા છે તથા ગટર લાઈન નાખવાથી રસ્તો ઘણો ખરાબ થઇ ગયેલ છે.રમજાન માસ નિમિતે આ રસ્તા પર ખુબ ટ્રાફિક થાય છે કારણકે રમજાન માસ હોવાથી લોકો સાંજના સમયે ખરીદી કરવા નીકળતા હોય છે.તેથી આ વિસ્તારના લોકો દ્વારા આ ખાડાઓનું વહેલી તકે સમારકામ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે સાથે-સાથે પૂરતા પ્રમાણમાં પાણી આપવા બાબતે પણ માંગણી કરવામાં આવી છે.