દિનેશભાઇ અડવાણી
ભરૂચ જિલ્લાના કેરીના વેપારીઓને આ વર્ષે પણ કેરીના ધંધામાં જંગી આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે .ગતરોજ તારીખ ૧૬મી એપ્રિલ સુધી બધું બરાબર હતું.આ વર્ષે કેરીનો પાક સારો હોવાના પગલે વેપારીઓની દુનિયામાં આનંદની લાગણી ફેલાય ગઈ હતી પરંતુ સમી સાંજે ધૂળની ડમરી સાથે વાવાઝોડું ફુંકાતા કેરીના વેપારીઓની આશા પર પાણી ફરી વળ્યું હતું .વાવાઝોડાના પગલે કેરી ખરી પડી હતી અથવા તો કેરી ઉતારી લેવામાં આવી હતી.તેમાં અચાનક વાતાવરણ બદલવાના પગલે ફૂગ અને અન્ય જીવાતો પડે તેવી સંભાવના વધી ગઈ છે.મોટા ભાગના કેરીના વેપારીઓએ જણાવ્યું હતું કે જયારે એપ્રિલ માસના દિવસોમાં વ્યાપક ગરમી પડે ત્યારે અચાનક વાવાઝોડું આવવાના ઉદાહરણો ભરૂચ જિલ્લામાં ઘણીવાર જણાયા છે.હવે આવું વાવાઝોડું ન આવે તેવી કામના અને પ્રાર્થના કેરીના વેપારીઓ પ્રભુને કરી રહ્યા છે .ભરૂચ જિલ્લામાં ઝાડેશ્વર થી ઝનોર સુધીની પટ્ટી પર અથાણાં બનાવવા માટે રાજાપુરી નામની કેરી વધુ થાય છે.જેનું એક ફળ ખુબ મોટું હોય છે .વાવાઝોડાના પગલે આવા મોટા ફળ ખરી પડતા ખેડૂતોને અને કેરીના વેપારીઓને વ્યાપક નુકસાન થયું છે.