વિશાલ મિસ્ત્રી રાજપીપળા
2019 લોકસભા ચૂંટણી જાહેર થઈ ગઈ છે.નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ચૂંટણી લક્ષી કામગીરીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.નર્મદા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ચૂંટણી લક્ષી કામગીરી માટે તાલીમ રાખવામાં આવી હતી,એ તાલીમમાં હાજર રહેવા સંબંધિત કર્મચારીઓને આગોતરા જાણ પણ કરવામાં આવી હતી.એ તાલીમમાં ગેરહાજર રહેનાર 28 જેટલા કર્મચારીઓને નર્મદા જિલ્લા કલેક્ટરે નોટિસ આપતા ખળભળાટ મચી ગયો હતો.
નર્મદા જિલ્લામાં તા.23 મી એપ્રિલ, 2019 ના રોજ યોજાનારી લોકસભા સામાન્ય ચૂંટણીઓ સંદર્ભે 21-છોટાઉદેપુર(અ.જ.જા.) સંસદીય મતવિસ્તારમાં સમાવિષ્ટ નાંદોદ વિભાનસભા મતવિસ્તાર માટે ગુરુવારે સવારે રાજપીપળા ખાતેની આયુર્વેદિક કોલેજમાં પ્રિસાઇડીંગ અધિકારીઓ તેમજ બપોર બાદ આસિસ્ટન્ટ પ્રિસાઇડીંગ ઓફિસરોની પ્રથમ તાલીમ રાખવામાં આવી હતી.એ તાલીમ માટે અધિકારીઓને આગોતરી જાણ પણ કરવામાં આવી હતી.તેમ છતાં વાજબી કારણો વિના ગેરહાજર રહેલાં 18 જેટલાં પ્રિસાઇડીંગ ઓફિસર અને 10 આસીસ્ટન્ટ પ્રિસાઇડીંગ ઓફિસરોને ચૂંટણીલક્ષી તાલીમમાં ગેરહાજર રહેવા બદલ જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી આઇ.કે. પટેલે નોટીસ બજાવવાના કરેલા આદેશ કર્યા હતા.એ અન્વયે નાંદોદનાં મદદનીશ ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી કે.ડી.ભગત દ્વારા ગુરુવારે ૨૮ જેટલાં અધિકારીઓ/કર્મચારીઓને ગેરહાજરી સબબ નોટીસ પાઠવવામાં આવી છે.