દિનેશભાઈ અડવાણી
ધૂળેટી પર્વની દિવસ દરમિયાન એકમેકને કલર લગાવી લોકો નર્મદા નદીમાં સ્નાન માટેની વાટ પકડતા હોય છે.પરંતુ આ ધુળેટી પર્વએ નારેશ્વર સહિતના અનેક નર્મદાઘાટ ઉપર નાહવા માટે પ્રતિબંધ ફરમાવતા હજારો સહેલાણીઓ અટવાયા હતા.તો કરજણ નજીકના દીવેર મઢી ઘાટ ઉપર ઢીંચણ સમા પાણીમાં પણ હજારો લોકોએ સ્નાન કરવા સાથે છબ-છબિયાં કર્યા હતા.હોળીના બીજા દિવસે સૌ કોઈએ ધૂળેટી પર્વની ઉજવણી કરી હતી.જેમા ધુળેટીની સવારથી જ તમામ વિસ્તારોમાં લોકો એકમેકને કલરવથી રંગતા નજરે પડ્યા હતા.જોકે ધુળેટીની ઉજવણી બાદ રંગે રંગાયેલા લોકોએ નાહવા માટે નારેશ્વરની વાટ પકડી હતી પરંતુ નારેશ્વર નર્મદા ઘાટ ઉપર મગરના ભય તેમજ નર્મદા નદીમાં ઉંડાણના કારણે ધુળેટીના દિવસે નર્મદાસ્નાન ઉપર પ્રતિબંધ હોવાથી નર્મદા સ્નાન કરવા આવેલા હજારો લોકો સ્નાનથી વંચિત રહી પરત ફર્યા હતા.નારેશ્વરના નર્મદા ઘાટ ઉપર પોલીસ કાફલો ખડકી દેવાયો હતો અને નર્મદા સ્નાન કરવા ન જવા દેતા સહેલાણીઓ અને પોલિસ વચ્ચે તુતુ-મેંમેં ના દ્રશ્યો પણ સર્જાયા હતા.જોકે નારેશ્વર ખાતે નર્મદા સ્નાન પર પ્રતિબંધ હોવાથી કેટલાક સહેલાણીઓ નારેશ્વર થી ૨૫ કિલોમીટર દૂર કરજણ નજીકના દિવેર મઢી નર્મદા ઘાટ ઉપર સ્નાન કરવા માટેની વાટ પકડી હતી.દિવેર મઢી ઘાટ ઉપર પણ માત્ર ઢીચણ સમા જ પાણી હોવા છતાં હજારો સહેલાણીઓએ નર્મદા સ્નાન કરવા સાથે છબ-છબિયાં કરતા નજરે પડ્યા હતા.આ દીવેર મઢી ઘાટમા ઢીચણ સમા જ પાણી હોવાથી સહેલાણીઓ સ્નાન કરતા કરતા નર્મદા નદીને પદયાત્રા કરીને પણ પાર કરી રહ્યા હોવાના દ્રશ્યો જોવા મળ્યા હતા.કરજણ નજીકના દિવેર મઢી ઘાટ ઉપર ઢીંચણ સમા પાણીમાં પણ હજારો સહેલાણીઓએ સ્નાન કરી ધુળેટીની રજાની મજા માણી.નારેશ્વર ખાતે પ્રતિબંધને પગલે સમગ્ર ઘાટ સુમસામ બન્યો.