અમદાવાદના ટીવી૯ ના પત્રકારની હત્યા બાદ સમગ્ર રાજ્યના પત્રકારોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. ત્યારે હત્યાના ૪ દિવસ બાદ પોલીસ કળીઓ મેળવવામાં નિષ્ફળ જતા નવસારીના પત્રકારો દ્વારા નાયબ કલેકટરને આવેદન આપી તપાસ સીઆઈડી ક્રાઈમને સોપવામાં આવે તેવી માંગ કરી હતી.
અમદાવાદમાં ટીવી૯ના યુવા પત્રકાર તરીકે કામ કરતા ચિરાગ પટેલની સંકાસ્પદ હાલતમાં સળગાવેલી લાસ મળી આવતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. તો મીડિયા જગતમાં હડકંપ મચી ગયો હતો. હત્યાના ૪ દિવસ બાદ પણ પોલીસ કોઈ નક્કર કામગીરી ન કરી શકી હોવાથી ગુજરાતના તમામ પત્રકારોમાં રોષ વ્યાપી ગયો છે અને જેને પગલે નવસારી જિલ્લાના પત્રકારો દ્વારા આજરોજ નવસારીના અધિક કલેકટરને આવેદન પાઠવી ઝડપી અને તટસ્થ તપાસ થાય તેમજ કેશ સીઆઈડી ક્રાઈમને સોપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. આવેદન આપ્યા બાદ અમદાવાદ પોલીસે પેસ કોન્ફરન્સ કરીને ચિરાગ કેશની તપાસ અંગે ખુલાસા કરવામાં આવ્યા હતા જેમાં પોલીસે કોલ ડીટેલમાં ચિરાગે સમગ્ર દિવસ દરમ્યાન કોઈ આઉટ ગોઇંગ કોલ કર્યા ન હતા. તો તેના સરીરે અંદરના ભાગોમાં પણ કોઈ ઈજાઓ સામે આવી નથી તેમ જણાવ્યું હતું. તો પોલીસે ૭ સીસીટીવી ફૂટેજ પણ કબજે કર્યા છે. તો ગુમ મોબાઈલની પણ શોધખોળ ચાલી રહી છે. તપાસ માટે ૬ જેટલા પીએસઆઈ- સાયબર ક્રાઈમ અને એફએસએલની ટીમ તપાસ કરી રહી છે. તપાસમાં બાકી લેણાના નાણાની વિગતો પણ સામે આવી છે. તેમાંજ હજુ પણ તટસ્થ તપાસ થશેની ખાત્રી પોલીસ દ્વારા આપવામાં આવી છે. જોકે આ હત્યા છે કે આત્મહત્યા તે અંગે પોલીસ હજુ ગોળ ગોળ જવાબ આપી રહી છે.