વિશાલ મિસ્ત્રી રાજપીપળા-
હાલ ઈન્ટરનેટનો યુવાનો ભરપૂર ઉપયોગ કરી રહ્યા છે,અમુક યુવાનો ઈન્ટરનેટનો સદઉપયોગ તો અમુક દુરુપયોગ કરી રહ્યા છે.મોટે ભાગે યુવાનો ઈન્ટરનેટનો દુરુપયોગ કરતા હોવાના કિસ્સાઓ વારંવાર પ્રકાશમાં આવ્યા છે.ત્યારે નર્મદા જિલ્લાના ગામકુવા ગામના એક આદિવાસી યુવાને ઈન્ટરનેટનો સદઉપયોગ કરી નાનું સરખું મરઘી ઉછેર કેન્દ્રનું યુનિટ બનાવી પોતાના પરિવારની ભરણપોષણ કરી રહ્યો છે.બીજી બાજુ ગામકુવા ગામના જ અતુલ વસાવા પોતાના સમાજને આગળ લઇ જવા આવા યુવાનોને પ્રોત્સાહિત કરે છે.
વાત છે નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના નાનકડા ગામકુવા ગામના 22 વર્ષીય યુવાન ભરત ચંપક વસાવાની.ભણવાના દિવસોમાં જ પોતાના પિતાની છત્રછાયા ગુમાવતા ભરત વસાવાના માથે પોતાના પરિવારની જવાબદારી આવી ગઈ.આર્થિક તંગીને કારણેે એણે 12 ધોરણ બાદ પોતાનો અભ્યાસ છોડવો પડ્યો.શરૂઆતમાં મજૂરી કરી પણ એની સાથે સાથે ઈન્ટરનેટમાં રુચિ હોવાથી એમા મન પરોવ્યું.ધીમે ધીમે ઈન્ટરનેટમાં અભ્યાસ થકી એણે ઇલેક્ટ્રિક બલ્બનો ઉપયોગ કરી મરઘી ઉછેરવાનું એક નાનકડું યુનિટ બનાવ્યું,અલગ અલગ વોલ્ટેજના બલ્બનો ઉપયોગ કરી જોયો પણ શરૂઆતમાં કોઈ સફળતા ન મળી.પરંતુ જોતજોતામાં એ આદિવાસી યુવાનનો આ પ્રયોગ સફળ નીવડ્યો.હાલ ભરત વસાવા પોતે બનાવેલા યુનિટીમાં આસપાસના ગામો માંથી મરઘીના ઈંડા ખરીદે છે અને મરઘી ઉછેરે છે.
ભરત વસાવાએ જણાવ્યું હતું કે કરોડો રૂપિયાનો ખર્ચ કરીને પોર્ટરી ફાર્મ ઉદ્યોગ સ્થપાયા છે.તો મને પણ એવો વિચાર આવ્યો પરંતુ આર્થિક તંગીને લીધે મારા માટે એ શક્ય ન હતું.જેથી મેં મારી બુદ્ધિથી 1000 થી 1500 રૂપિયાના ખર્ચે ઇલેક્ટ્રિક બલ્બનું મરઘી ઉછેરવાનું એક નાનું યુનિટ તૈયાર કર્યું.હાલમાં તો 40 થી 50 મરઘીના બચ્ચાઓ છે જે મોટા થવાથી મને સારી આવક મળશે.ભવિષ્યમાં આ યુનિટીમાં હું વધારો કરીશ અને એક દિવસ મોટો ઉદ્યોગપતિ બનીને બતાવીશ.મારો વધુ અભ્યાસ ચાલુ જ છે,સસ્તી અને સરળ રીતે આજીવિકા કઈ રીતે મેળવી શકાય એ બાબતે હું ઈન્ટરનેટના માધ્યમથી અભ્યાસ કરી પ્રયોગો કરતો રહીશ.યુવાનોને મારી એ સલાહ છે કે કોઈ પણ વસ્તુનો દુરુપયોગ કરવા કરતાં એનો જો સદઉપયોગ કરાય તો ભવિષ્ય ઉજળું બની શકે છે.