ભરૂચ જિલ્લામાં ખનીજ માફિયા બેફામ બન્યા હોય તેમ અંકલેશ્વરના ખરોડ ગામની સીમમાં ચાલી રહેલા માટી ખોદકામનું ચેકિંગ કરવા ગયેલ ખાણ ખનીજની ટીમ પર સાત જેટલા શખ્સોએ હુમલો કરી તેઓને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
ખાણ ખનીજ વિભાગના સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા અને ઝાડેશ્વરમાં રહેતા બ્રિજેશ સવાણી અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામની સીમમાં ચાલતા માટી ખોદકામને મળેલ માહિતીના આધારે સલમાન અને આસિફભાઇ સાથે ખાનગી ગાડીમાં ગયા હતા.આ દરમિયાન બે મોટરસાયકલ અને બે ફોર-વ્હીલમાં ગામના જ ફૈયાઝ કાજી,ફિરોજ કાજી, ફૈઝલ કાજી સહિત અન્ય ચાર શખ્સોએ ધસી આવી લાકડી તથા કમર પટ્ટા મારવા સાથે કારના કાચ તોડી નાખ્યા હતા.આ ઉપરાંત ખરોડ ગામમાં આવશો તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી હતી.
ખાણ ખનીજ વિભાગના સુપરવાઇઝર બ્રિજેશ સવાણીએ આ અંગે સાતેય આરોપીઓ વિરુદ્ધ ઈપીકો કલમ 395,397,332,353,504,506(2),427,186 તેમજ જી.પી.એક્ટ 135 મુજબની અંકલેશ્વર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
અત્રે એ વાતનો ઉલ્લેખ કરવો રહ્યો કે ભરૂચ જિલ્લામાં માટી,રેતી સહિતના ખનીજના ગેરકાયદેસર ખનન અને વહનની વ્યાપક ફરિયાદો ઉઠતી રહે છે અને તેની તપાસ દરમિયાન આ રીતે હુમલા થવાના બનાવો પણ ભૂતકાળમાં બન્યા છે ત્યારે આવા બેફામ બનેલ તત્વો પર લગામ કસવામાં આવે તે જરૂરી છે.