ભરુચમાં માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી દર વર્ષની જેમ આ વર્ષે પણ કરાઇ રહી છે. માર્ગ સલામતી માટે માત્ર શહેરના નાગરિકો અને વાહનચાલકો જવાબદાર હોય તેવી વાતો અને સુફીયાણી સલાહો તંત્ર દ્વારા આપવામાં આવે છે. રાહદારીઓએ આમ ન કરવુ અને આમ ન કરવુ, વાહનચાલકોએ હેલ્મેટ પહેરવી તેમજ અન્ય નિયમોનું પાલન કરવા અંગે સલાહ સુચનો આપવામાં આવે છે. તંત્ર દ્વારા સીસીટીવી નેટવર્કનું આયોજન કરી વાહનચાલકો જો કોઇ ગુનો કરે તો તે અંગે દંડ્ની જોગવાઇ પણ કરાઇ રહી છે. કદાચ આવા સીસીટીવી કેમેરામાં કોઇ ટ્રાફિક પોલિસ કે બીટીઇટીનાં જવાન છાનુંછપનું કંઇ લેતીદેતી કરતા હોય તેવા ફુટેજ આવી જાય તો નવાઇ નહી.
આ બધા સાથે માર્ગ સલામતી માટે તંત્રની પણ કેટલીક જવાબદારી છે. જેમ કે રસ્તા પહોળા હોવા જોઇએ, ભરુચમાં વાહનો વધ્યા પરંતુ રસ્તા સાંક્ડા રહ્યા, પાર્કિંગ અંગેની કોઇ સુવિધા નથી. સિનિયર સીટીઝન અને રાહદારીઓ માટે ચાલવા ફુટપાથ નથી. એટલું જ નહી પરંતુ રોડ ક્રોસિંગ માટે કોઇ ખાસ આગવી વ્યવસ્થા કરવામાં આવી નથી. એવા સમયે શું માત્ર ભરુચ નગરના રહિશોએ જ માર્ગ સલામતી માટે તમામ તકેદારીઓ રાખવી અને તંત્ર દ્વારા કોઇ વ્યવસ્થા કે ઇંફ્રાસ્ટ્રક્ચર ઉભું ન કરાય તે કેટલે અંશે વ્યાજબી છે? તે અંગે લોક્ચર્ચા ચાલી રહી છે.