રાજપીપળા સ્ત્રી અધ્યાપન મંદિર ખાતે બુનિયાદી સપ્તાહની ઉમંગભર ઉજવણી કરાઈ.
રાજપીપળા:રાજપીપળા સ્ત્રી અધ્યાપન મંદિર ખાતે તાજેતરમાં બુનિયાદી સપ્તાહની ઉમંગભર ઉજવણી કરવામા આવી હતી.જેમાં તાલીમાર્થી બહેનો કે જે ભાવિ શિક્ષકો છે અને જેમને ભવિષ્યમાં જે-તે શાળામાં જઈ શૈક્ષણિક કામગીરી સાથે કરવાની સહ શૈક્ષણિક કામગીરીની ઉત્સાહભર તાલીમ લીધી હતી.બુનિયાદી સપ્તાહની ઉજવણીની શરૂઆત આરતી શણગાર અને મહેંદી સ્પર્ધાથી કરવામાં આવી હતી.આરતી શણગાર સ્પર્ધામાં બહેનોએ વિવિધ ફૂલો,શાકભાજી,ચોખા, ચણોઠી જેવી વસ્તુઓનો ઉપયોગ કરી કલાત્મક રીતે આરતીઓ શણગારી હતી.પછીના દિવસે હેર સ્ટાઈલ સ્પર્ધા તેમજ સાડી પરિધાન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.સ્પોર્ટ્સ ડે માં તાલીમાર્થીઓએ ઝેરી દડો,સંગીત ખુરસી તેમજ ફુગ્ગા ફોડ જેવી રમતો રમી પોતાની ખેલદિલીના દર્શન કરાવ્યા હતા. 25મી જાન્યુયારીના દિવસે બધા બહેનો ‘વિશ્વ મતદાતા દિવસ’ ની ઉજવણીના ભાગ રૂપે જિલ્લા કક્ષાની જાગૃતિ રેલીમાં ભાગ લઈ ટાઉનહોલ માં યોજાયેલ કાર્યક્રમમાં હાજર રહી સૌએ સાથે મતદાન કરવાની પ્રતિજ્ઞા લીધી હતી.સપ્તાહમાં આવતા પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં બહેનો સાથે પ્રયોગશાળાના બાળકો પણ જોડાયા હતા અને દેશ ભક્તિના ગીતો રજૂ કર્યા હતા અને બહેનોએ ફૂલોમાથી આકર્ષક રંગોળી અને ભારતનો નક્શો બનાવ્યો હતો.
સમગ્ર સપ્તાહની ઉજવણીમાં સમગ્ર સ્ટાફે માર્ગદર્શન પૂરું પાડેલ જ્યારે સમગ્ર સંચાલન ભાવનાબેન ભગત અને મનીષાબેન ગૂર્જરે કરેલ.સપ્તાહ દરમ્યાન દત્તાબેન ગાંધી, નિશાબેન, અસ્મિતાબેન વસાવા, સપનાબેન પટવારી,સંગિતાબેન, પ્રાકડા સાહેબ તેમજ પી.એલ. માલિવાડ સાહેબે નિર્ણાયક તરીકે સેવા આપી હતી.