બેન હવે તમે કચરો સાફ કરવા આવો:રાજપીપળા પાલિકા પ્રમુખને જાગૃત નાગરિકે આમંત્રણ આપ્યું.
રાજપીપળા:રાજપીપળામાં વર્ષો પછી ભાજપનું પૂર્ણ બહુમતીથી શાસન આવ્યું છે.હાલ રાજપીપળા પાલિકા પ્રમુખ તરીકે જીગીશા ભટ્ટ શાસન કરી રહ્યા છે.તો રાજપીપળાના એક જાગૃત નાગરિક રાહુલ પટેલે શહેરમાં ગંદકી બાબતે ગંદકીના ફોટા સાથે નારાજગી વ્યક્ત કરતો પાલિકા પ્રમુખને ખૂલ્લો પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ કરતા ખળભળાટ મચી ગયો હતો.
જાગૃત નાગરિક રાહુલ પટેલે પાલિકા પ્રમુખને સંબોધતા પોતાના પત્રમાં જણાવ્યું હતું કે છેલ્લા 2 વર્ષ ઉપરાંતથી મારી દુકાન પાસેની ગટર રોજ ઉભરાય છે.10-12 ફોન કર્યા બાદ રૂબરૂ પાલિકામાં જઈને કડક શબ્દોમાં વાત કરીએ ત્યારે ગટર સાફ કરાય છે.અને પછી જાણે અમારા પર મહેરબાની કરાતી હોય તેવી દાદાગીરી કરીને ગટર સાફ કરીને કચરો દુકાનના આંગણામાં છોડી જાય છે.કાયમ ફોન કર્યા બાદ જ કચરો હટાવાય છે.આ ફોટામાં દેખાઈ રહેલો કચરો 3 દિવસથી હટાવાયો નથી.વારંવાર સુપરવાઇઝરને ફોન કરવા છતાં પણ આ કચરો હટાવાતો નથી.કાયમ ફોન કર્યા બાદ જ કચરો હટાવાય છે.મારા પરિવારજનોએ વારંવાર આપની ત્યાં આવીને આ મામલે રજુઆત કરી છે,ત્યારે તમે ફિલોસોફી વ્યક્ત કરી હતી કે કચરો કોઈ સાફ નહીં કરે તો હું જાતે કરીશ મને તેની શરમ પણ નથી.હવે બહેન સમય આવ્યો છે અને ફોટામાં દેખાતો કચરો જાતે સાફ કરવા વિધિવત આમંત્રણ છે.આ કચરો 2 કલાકમાં મારી દુકાન પાસેથી નહીં હટે તો કાલે સવારે આ કચરો પ્રમુખની ચેમ્બરમાં તથા ભાટવાડા સ્થિત એમના નિવાસસ્થાને પગથિયામાં અને મુખ્ય અધિકારીની ચેમ્બરમાં નાંખી આવીશ.પ્રમુખશ્રીની વિનંતી કે,જો હું આવું કરું તો મારી સામે પોલીસ ફરિયાદ કરે.બહેનશ્રી,વિરોધપક્ષ સત્તામાં હતો અને 2015 દરમ્યાન તમારા પક્ષે બહુ મોટા વાયદા કર્યા અને જનતાએ તમને વિશ્વાસથી વહીવટ સોંપ્યો છે.અમે પાલિકાના સફાઈ વેરો સહિતના ટેક્સ નિયમિત ભરીએ છે.એક દિવસ પણ બાકી નથી.પાલીકા એડવાન્સમાં ટેક્સની ઉઘરાણી કરવામાં કચાસ નથી રાખતી તો પછી જનતાની સેવા પણ આવી જ કરવી જોઈએ.અને હા,રાજ કાજ ના થતું હોય તો રાજીનામું એ શ્રેષ્ઠ વિકલ્પ છે.
હવે જેવો આ પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થયો એની 10મી મિનિટમાં જ રાજપીપળા પાલિકાના કર્મચારીઓ એ જગ્યાએથી કચરો સાફ કરવા તાબડતોબ આવી ગયા હતા.આ મામલે રાહુલ પટેલે જણાવ્યું હતું કે ચમત્કાર વિના કોઈ નમસ્કાર કરે નહિ.મેં ગંદકી વિશે મેસેજ શું મુક્યાને પાલિકાની ઊંઘ ઊડી ગઈ.સાફસફાઈ ચાલુ થઈ ગઈ હતી.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વચ્છ ભારતનું મિશન આપ્યુ અને રાજપીપલા પાલિકામાં એમના જ પક્ષવાળા બોતેડીયું બોળવા બેઠા છે.લોકોએ મને પર્સનલ મેસેજ કરીને અભિનંદન પણ આપ્યા અને બીજી જે જગ્યાઓએ ગંદકી છે એ જગ્યાઓના નામ પણ આપ્યા છે.