શહેરા સેવા સદનની ઇમારતનુ કામકાજ પુર્ણતાના આરે…..
પંચમહાલ રાજુ સોલંકી
પંચમહાલ જિલ્લાના શહેરા નગરમાં નવું બનતું અને સુવિધાઓથી સજ્જ તાલુકા સેવા સદનની ઇમારતની કામગીરી હવે અંતિમ પડાવ પર છે. કરોડો રૂપિયાના ખર્ચે બનેલી આ સરકારી સેવાસદનની ઈમારત આગામી 15થી 20 દિવસોમાં તૈયાર થઈ જશે, અને જાહેર જનતા માટે ખુલ્લી મુકવામાં આવશે
પંચમહાલ જિલ્લાના શહેરા નગર અને તાલુકાના ગ્રામીણ વિસ્તારના લોકોને અલગ અલગ સરકારી કચેરીઓમાં કામકાજ અર્થે જવું પડશે નહીં. તાલુકાની મહત્વની કચેરીઓ એક જ બિલ્ડિંગમાં કાર્યરત થઈ રહી છે. ગોધરા લુણાવાડા હાઇવે પાસે જ તાલુકા સેવા સદનની ત્રણ માળની નવી ઈમારતનું બાંધકામ ચાલી રહ્યું છે. આ ઇમારતમાં મામલતદાર કચેરી, પ્રાંત કચેરી અને ફોરેસ્ટ ઓફિસ સહિતની કચેરીઓ કાર્યરત થશે.
શહેરા સેવાસદનની ઈમારતનું કામકાજ હાલ તેના અંતિમ ચરણોમાં છે. આગામી 10 થી 20 દિવસમાં આ કામકાજ પૂર્ણ કરી દેવામાં આવશે તેવી પણ માહિતી મળી છે. સદનની આસપાસ ગાર્ડન, પાર્કિંગની સુવિધા,સ્ટ્રીટ લાઈટ સહીતની સુવિધાઓ મળી રહેવાની છે. આ સેવા સદનની ઇમારતની સાથે સાથે સામેની બાજુએ નવા એસટી બસ સ્ટેશનનું કામકાજ પણ ચાલી રહ્યું છે. તે પણ હવે પૂર્ણતાના આરે છે.આમ શહેરા પંથકના લોકોને આગામી સમયમાં નવી બે ભેટ શહેરા સેવાસદન અને એસ ટી બસ સ્ટેશનની મળવાની છે.ઈમારતના લોકાર્પણ કરવા માટે મોટી રાજકીય હસ્તી આવે તેવી પણ શકયતા વર્તાઇ રહીં છે. પરંતુ હાલ તે બાબત અંગે કોઈ પણ સ્પષ્ટતા નથી.