(વિશાલ મિસ્ત્રી રાજપીપલા):હિમાચલ પ્રદેશના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ તેમના પરિવાર સાથે કેવડીયા કોલોની ખાતે સ્થાપિત સરદાર સ્મારક સ્ટેચ્યુ ઓફ યુનિટી,વોલ ઓફ યુનિટી અને તેની સંલગ્ન વેલી ઓફ ફ્લાવર્સ સહિતના વિવિધ આકર્ષણોની મુલાકાત લઇ ધન્યતાનો ભાવ વ્યક્ત કર્યો હતો.ત્યારબાદ તેમણે નર્મદા ડેમની પણ મુલાકાત લઇ નિરીક્ષણ કર્યું હતું.
રાજ્યપાલ દેવવ્રતજીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત દરમિયાન સરદાર વલ્લભભાઇ પટેલ સાહેબના જીવન ચરિત્ર વિશેની ફિલ્મ રસપૂર્વક નિહાળવા ઉપરાંત મ્યુઝીયમમાં પ્રદર્શિત કરાયેલ તસ્વીરી પ્રદર્શન પણ તેમણે નિહાળ્યું હતું.ત્યારબાદ તેઓશ્રી વેલી ઓફ ફ્લાવર્સનો સુંદર નજારો નિહાળી પ્રફુલ્લિત થયા હતાં.વેલી ઓફ ફ્લાવર્સની મુલાકાત દરમિયાન નાયબ વન સંરક્ષક પ્રતિક પંડ્યાએ વેલી ઓફ ફ્લાવર્સ ઉપરાંત ભારત વનની જાણકારી વિશે પણ રાજ્યપાલ દેવવ્રતજીને માહિતગાર કર્યા હતાં. રાજ્યપાલે ગત ડિસેમ્બર માસમાં ડીજી કોન્ફરન્સ વેળાએ હિમાચલ પ્રદેશના ડીજી તરફથી અહીં કરાયેલા વૃક્ષારોપણ અંગે પરામર્શ કરી તેની સ્મૃતિ તાજી કરી હતી.આ પ્રસંગે “એકતા પૌધા” તરીકે પલાસ વૃક્ષનું રાજ્યપાલે વૃક્ષારોપણ કર્યું હતું.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીના સ્થળે વિવિધ વિભાગોની મુલાકાત દરમિયાન અતિવિરાટ સરદાર સાહેબની વિરાટ પ્રતિમાના ચરણોમાં રાષ્ટ્રના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલની ભાવવંદના કરી હતી.તેમણે સ્ટેચ્યુ ઓફ યુનિટીની વ્યુઇંગ ગેલેરી ખાતેથી માતા નર્મદા અને વિદ્યાંચલ-સાતપુડાની ગિરિમાળાઓના દર્શન સાથે પ્રાકૃતિક સૌદર્યનો નજારો માણ્યો હતો અને મા નર્મદાના દર્શનથી-પવિત્રતાની ઔલિકક ઉંચાઇએ પહોંચ્યાની અનુભૂતિ પણ કરી હતી.
રાજ્યપાલ દેવવ્રતજીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત દરમિયાન તેમની અભિપ્રાય નોંધમાં નોંધ્યુ હતું કે,આજે પોતાના પરિવારજનોની સાથે સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાના દર્શનનો લ્હાવો પ્રાપ્ત થયો છે.ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ લોહપુરૂષને અનુરૂપ યથાયોગ્ય સન્માન આપીને મહાન કાર્ય કર્યું છે.સરદાર પટેલ સાહેબે સમગ્ર ભારતને જોડવાનું મહાન કાર્ય કર્યું છે.વર્તમાન ભારતવર્ષ સરદાર પટેલજીની દેણ છે અને આવા મહાપુરૂષને હું નમન કરું છું.
આ પ્રસંગે માધ્યમો સાથેના રાજ્યપાલે જણાવ્યું હતું કે,સરદાર વલ્લભભાઇ પટેલ સાહેબ ભારતનાં ઇતિહાસ પુરૂષ છે.તેમણે જુદા જુદા રજવાડાઓ ભેગા કરીને ભારતનું એક વિશાળ સ્વરૂપ આપણી સમક્ષ રજુ કર્યું છે.જો તેઓએ આ દિશામાં કાર્ય કર્યું ન હોત તો ભારતનું વર્તમાન સ્વરૂપ ન હોત.આ પ્રતિમાના નિર્માણથી ભારતની ભાવિ પેઢી અહીં આવશે અને સરદાર વલ્લભભાઇ પટેલની આ પ્રતિમાથી રાષ્ટ્રભક્તિ – દેશભક્તિના ભાવનું સિંચન થશે.ભારત દેશની પ્રગતિ અને વિકાસ માટે સમર્પણની ભાવના કેળવશે.ભાવિ પેઢીઓ માટે આ પ્રતિમા પ્રેરણા સ્ત્રોત બની રહેશે.આ મુલાકાત દરમિયાન ડેડીયાપાડાના પ્રાંત અધિકારી ડી.એન.ચૌધરી,જિલ્લા પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયા,નાયબ પોલીસ અધિક્ષક અચલ ત્યાગી, નાયબ કલેક્ટર દુબે અને પંચાલ સહિત સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.